• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટયું : અમરેલીમાં 2 ઇંચ

ડોળાસા-મતીરાળા 1, ખાંભા 0.75, ઉમરાળા-બાબરા-કેશોદ 0.5: સોરઠમાં વરસાદે વિરામ લેતા લોકોને હાશકારો

રાજકોટ, તા.30: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મેઘરાજા વિદાય વેળાએ અનરાધાર વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટયું હતું. આજે ઘણા વિસ્તારમાં સૂર્ય નારાયણએ દર્શન આપ્યા હતા. આ વચ્ચે અમરેલીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. તેમજ  ડોળાસા-મતીરાળા 1, ખાંભા 0.75, ઉમરાળા-બાબરા-કેશોદ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સોરઠને તો વિદાય વેળાએ રીતસર મેઘરાજાએ બે દિવસમાં ધમરોળી નાખ્યું હતું. ત્યારે આજે વરાપ નીકળતા લોકોને હાશકારો થયો હતો. આજથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરવામાં આવી છે.

અમરેલી: જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક જળાશયો ફરીવાર ઓવરફ્લો થવા પામ્યા છે. જેમાં રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ 2 અને ખાંભાના રાયડી ડેમનો સમાવેશ થાય છે. વરસાદના કારણે જિલ્લા તંત્ર દ્વારા અનેક ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યા છે અને નદી કાંઠાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. રાજુલા તાલુકામાં ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે, જેના કારણે ખાખબાઈ, વડ, હિંડોરણા, લોઠપુર, રામપરા, ભચાદર અને ઉંચેયા સહિત 10 ગામડાઓને તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. અમરેલી શહેરમાં પણ પડેલા ધોધમાર વરસાદને કારણે અમરેલી શહેરના રાજકમલ ચોક વિસ્તારમાં ઘૂંટણ સમાં પાણી ભરાયાં હતાં. વરસાદને કારણે છેલ્લા ઘણા વર્ષોથી સર્જાતી સમસ્યા આ વખતે પણ યથાવત જોવા મળી હતી.વરસાદી પાણી શહેરી રસ્તાઓ પર ફરી વળતાં રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ડોળાસા: વરસાદે પચ્ચીસ દિવસનો વિરામ લીધો હતો અને બીજી તરફ ભાદરવાનો કાળઝાળ તડકો પાડવા લાગતા તમામ મોલાત મુરજાવા લાગી હતી. ખેડૂતો ચોમાસુ પાક બચાવવા પિયત શરૂ કરી દીધું હતું. ત્યારે ગત તા.26થી શરૂ થયેલો વરસાદ આજે પાંચમા દિવસે પણ ચાલુ રહ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં 189 મી.મી.વરસાદ પડી જતા ડોળાસા વિસ્તારની સંગાવાડી,  ચંદ્રભાગા, રૂપેણ અને માઢ નદીમાં પુર આવ્યા છે. તા.29ના રોજ 65 મી.મી.અને આજે તા.30ના રોજ 25 મી.મી.વરસાદ નોંધાયો છે. છેલ્લાં બે દિવસમાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયો છે.  મોસમનો કુલ વરસાદ 1148 મી.મી.( 46 ઇંચ ) થયો છે.

મતીરાળા: ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું અને આશરે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ભાવનગર: આજે માત્ર ઉમરાળા તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. બાકીના તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે હજુ વાદળીયું વાતાવરણ હોય વરસાદની સંભાવના રહેલી છે.

બગસરા: સતત વરસતા વરસાદથી પંથકની જીવાદોરી સમાન મુંજીયાસર ડેમની સપાટીમાં વધારો થયો છે. જે હાલમાં 95% ભરાવાથી શહેરના નીચાણ વાળા વિસ્તારને એલર્ટ કરાયા હતા. તેમજ બગસરા પંથકના 5 અને અમરેલી પંથકના પણ 5 ગામો એલર્ટ કરાયા છે. મુંજીયાસર ડેમની કુલ સપાટી 24.50 છે જે હાલમાં ભારે વરસાદના પગલે 23.80 સુધી પહોંચી ચૂકી છે. જેને પગલે 95% જેટલી જળ સપાટી થઈ ચૂકી છે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફલો : 20 દરવાજા 1 ફૂટ ખોલાયા

ભાવનગર : સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરના પાલીતાણા નજીક આવેલો શેત્રુંજી ડેમ આજે ઓવરફ્લો થતાં ભાવનગરવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.  શેત્રુંજી ડેમ આજ રોજ સવારે પાંચ કલાકે 100% ભરાઈ જતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. 20 ગેટ 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. જ્યારે ગેટ ખોલવાના સમયે 1800 ક્યુસેક પાણીની આવક ચાલુ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક