બરડા સફારી દર્શનમાં 27 કિ.મી.નો રૂટ છે જે કપુરડી નાકાથી શરૂ થશે
જામ ખંભાળિયા, તા.28 : ગુજરાતમાં
સાસણ ગીર પછી હવે એશિયાઈ સિંહોનું નવું રહેઠાણ એવા બરડા વન્યજીવ અભયારણ્યમાં આવતીકાલે
તા.29ના રોજ રાજ્યના વન અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે બરડા જંગલ સફારી ફેઝ-1નો
પ્રારંભ થશે. જેનાથી પોરબંદર ભાણવડ વિસ્તારના બરડા ડુંગરની ખ્યાતિમાં વધારા સાથે વન્યપ્રેમીઓનાં
આકર્ષણમાં ઉમેરો થશે.
બરડા ડુંગરની જંગલ સફારીનું ઉદ્ઘાટન
તા.29-10ના શરૂ થયા પછી સફારી શિયાળાના સમયમાં સવારના 6:45થી 9:45 તથા બપોરે 3થી6 અને
ઉનાળાના સમયમાં સવારે 6થી 9 અને બપોરે 3થી6 ચાલશે. 16જૂનથી 15 ઓક્ટોબર સફારી બંધ રહેશે
તથા ટિકિટ બુકિંગ કપૂરડી નાકા પોરબંદર ભાણવડ રોડ પર રાણાવાવ પછીથી ઓફ લાઇન બુકિંગ થશે.
બરડા સફારી દર્શનમાં 27 કિ.મી.નો રૂટ છે જે કપૂરડી નાકાથી શરૂ થશે તથા ચારણું આઇ બેરિયર,
અજમાપાર, ભૂખબરા સુધી 6 પેસેન્જરની ઓપન જિપ્સીમાં ગાઇડ સાથે થશે. સફારી પરમીટ ફી રૂ.400,
ગાઇડ ફી રૂ.400 તથા મારુતિ જિપ્સી ફી રૂ. બે હજાર રખાઈ છે જે ટિકિટ બૂકિંગ કાઉન્ટર
પરથી મળશે.
બરડા ડુંગરમાં અનેક નદી ઝરણા,
ચેકડેમ, ધોધ, દીપડા, સિંહ, હરણ, જંગલી બિલાડી, શિયાળ જેવાં પ્રાણીઓ વસવાટ કરે છે.
29-10ના બપોરે બે વાગ્યે વનમંત્રી બરડા જંગલ સફારી ફેઝ-1નો પ્રારંભ કરાવશે. ગિર જંગલ
સફારી પછી દ્વારકા જિલ્લાના લોકોને ઘર આંગણે બરડા જંગલ સફારી મળનાર હોય ખૂબ જ ઉત્સુકતા
છે.