કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે મહાત્મા મંદિર - ગાંધીનગર ખાતે બે દિવસીય અર્થ સમિટ 2025-26નો પ્રારંભ
ગ્રામીણ અર્થતંત્ર મજબૂત કરવાની
દિશામાં સહકાર સારથી એપ સહિત 13 નવી ડિજિટલ સેવાઓનો પ્રારંભ
આ સમિટ ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ
બનાવવાના વિચારોને સુસંગત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર, તા.5 : કેન્દ્રીય ગૃહ
તથા સહકારિતામંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ (5થી 7 ડિસેમ્બર) ગુજરાતની મુલાકાતે છે.
આ દરમિયાન 1506 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ - ખાતમુહૂર્ત કરીને અમદાવાદ અને ગાંધીનગરના
નાગરિકોને વિકાસકાર્યોની ભેટ આપશે. સૌથી પહેલા તેમણે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા
સ્વદેશોત્સવ કાર્યક્રમમાં સ્ટોલ નિહાળ્યા હતા. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલ અને હર્ષ સંઘવી પણ હતા. ત્યાર બાદ તેઓએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસીય
અર્થ સમિટ 2025નો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ
શાહે જણાવ્યું હતું કે, ગ્રામીણ અર્થવ્યવસ્થાને દેશના અર્થતંત્રમાં સૌથી મોટો ફાળો
આપનાર ક્ષેત્ર બનાવવા માટે ત્રણ અર્થ સમિટની શ્રેણી આયોજન કરવામાં આવ્યું છે. જેની
દ્વિતીય આવૃત્તિનું મહાત્મા ગાંધીની ભૂમિ ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. ભારતના
વિકાસની પરિકલ્પના તેના ગ્રામીણ વિસ્તારને બાજુમાં રાખીને ક્યારેય ન થઈ શકે, તેમ મહાત્મા
ગાંધીજીએ આઝાદી પહેલા જ કહ્યું હતું. દુર્ભાગ્યવશ ગ્રામીણ વિકાસના ત્રણ મહત્વપૂર્ણ
અંગ કૃષિ, પશુપાલન અને સહકાર ક્ષેત્રને આઝાદી બાદના અનેક વર્ષો સુધી નજર અંદાજ કરવામાં
આવ્યા હતા.
વધુમાં કહ્યંy કે વર્ષ 2014માં
વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ ફરી એકવાર મહાત્મા ગાંધીના
મંત્રને પુનર્જીવિત કરવા માટે આ ત્રણેય ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકીને દેશમાં નવા પરિવર્તનની
શરૂઆત કરી હતી. દેશની 80 ટકા વસ્તીનું ભવિષ્ય નિર્ધારિત કરતા ગ્રામીણ વિકાસ, કૃષિ અને
સહકારિતા મંત્રાલયને વધુ સુદ્રઢ અને પરિણામલક્ષી બનાવવા માટે વડાપ્રધાનએ આ ત્રણેય મંત્રાલયના
સંયુક્ત બજેટમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં ત્રણ ગણો વધારો કર્યો છે. દેશની આઝાદીનાં
100 વર્ષ પૂર્ણ થાય ત્યારે વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રે ભારત પ્રથમ નંબરે હોય, તેવો
સમગ્ર દેશવાસીઓનો સંકલ્પ છે. સહકારી ક્ષેત્રના વિકાસ માટે આવનારા સમયમાં દેશની દરેક
પંચાયત દીઠ એક સહકારી સંસ્થા તેમજ સમગ્ર દેશમાં 50 કરોડથી વધુ સક્રિય સહકારી સભાસદો
બનાવીને દેશની જીડીપીમાં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું ભારત સરકાર દ્વારા
આયોજન કરવામાં આવ્યું છે. આગામી વર્ષે દિલ્હી ખાતે અર્થ સમિટની ત્રીજી આવૃત્તિનું આયોજન
કરવામાં આવશે. ટેકનોલોજી વિના સહકારી ક્ષેત્ર આગળ વધી શકે નહીં પરંતુ નાની કો-ઓપરેટિવ
મંડળીઓ માટે સોફ્ટવેર ડેવલપ કરવું અને ડેટા સ્ટોરેજનો ખર્ચ કરવો શક્ય નથી. આ પડકારનાં
સમાધાન સ્વરૂપે, નાબાર્ડ દ્વારા ‘સહકાર સારથી’ પહેલ હેઠળ 13થી વધુ વિવિધ ડિજિટલ સેવાઓ
પોર્ટલ સ્વરૂપે લોન્ચ કરવામાં આવી છે. વૈશ્વિક આરોગ્ય માટે અતિજરૂરી પ્રાકૃતિક ખેતીનો
વ્યાપ દેશમાં સતત વધી રહ્યો છે. આજે દેશમાં 49 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ સહકાર
ક્ષેત્રના વિકાસની દિશામાં સહકાર ટેક્સીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આગામી બે વર્ષમાં
સહકાર ટેક્સી દેશની સૌથી મોટી ટેક્સી કંપની બનશે. દિલ્હીમાં તાજેતરમાં શરુ કરાયેલા
ટ્રાયલમાં જ અત્યાર સુધીમાં 51,000 ડ્રાઈવરોએ નોંધણી કરાવી દીધી છે. તેવી જ રીતે, આગામી
સમયમાં સહકાર ક્ષેત્ર કો-ઓપરેટિવ ઈન્સ્યોરન્સ પણ લાવવા જઈ રહ્યું છે, જે દરેક ગામમાં
ત્રણ યુવાને રોજગારી આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
કહ્યું કે, કૃષિ, ગ્રામીણ, માનવતા અને નવાચારનાં સશક્તિકરણ માટે યોજાઇ રહેલી આ દ્વિ
દિવસીય સમિટ ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવવાના વિચારોને સુસંગત છે. આ દ્વિ દિવસીય
સમિટમાં સહકારી સંગઠનો, બેન્કો, પોલિસીમેકર્સ, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ, એગ્રી સાયન્ટીસ્ટ્સ
અને રિસર્ચર્સ તથા સ્કોલર્સ વગેરેને એક પ્લેટફોર્મ પર લાવીને વિકસિત ભારતના વડાપ્રધાનના
સંકલ્પને પાર પાડવાનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.
આ સમારોહ દરમિયાન કેન્દ્રીય સહકારિતા
મંત્રી અમિત શાહના હસ્તે સહકાર સારથી એપનું લોકાર્પણ, ગ્રામીણ અર્થતંત્ર મજબૂત કરવાની
દિશામાં 13 નવી ડિજિટલ સેવાઓનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારના
સ્ટેટ ફોકસ પેપર ઓફ ગુજરાત 2026-27 અને નાબાર્ડ- બીસીજીના ગ્રામીણ બેન્કિંગ કા ભવિષ્ય
વિષય પરનાં સંશોધન પત્રનું વિમોચન કર્યું હતું. આ સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,
કૃષિ મંત્રી જીતુ વાઘાણી, નાબાર્ડના ચેરમેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.