• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

વકફ મિલકતોની નોંધણી સમયમર્યાદા નહીં વધે

લઘુમતી બાબતોના મંત્રી રિજિજુનું એલાન : દંડ-કડક સજાથી મુક્તિ અપાશે

નવી દિલ્હી, તા.પ : મોદી સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ઉમીદ પોર્ટલ પર વકફ મિલકતોની નોંધણી માટેની સમયમર્યાદા લંબાવવાનો ઇનકાર કર્યો છે. તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે જે મુત્તવલીઓ (વકફ મિલકતોના સંભાળ રાખનારાઓ) નોંધણી કરાવવામાં નિષ્ફળ જશે તેમને ત્રણ મહિના માટે દંડ અને કડક સજામાંથી મુક્તિ આપવામાં આવશે.

રિજિજુએ જણાવ્યું હતું કે શુક્રવાર સવાર સુધીમાં 1.51 લાખ મિલકતોની નોંધણી થઈ છે. જે લોકો નોંધણી કરાવી શક્યા નથી તેઓ વકફ ટ્રિબ્યુનલનો સંપર્ક કરી શકે છે. કેન્દ્ર સરકારે જૂનમાં ઇન્ટિગ્રેટેડ વકફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ (ઉમ્મીદ) એક્ટ સેન્ટ્રલ પોર્ટલ શરૂ કર્યું હતું જેથી તમામ વકફ મિલકતોનું જીઓ-ટાગિંગ કરીને ડિજિટલ કેટલોગ બનાવી શકાય. ઉમ્મીદ પોર્ટલની જોગવાઈઓ અનુસાર દેશભરમાં તમામ નોંધાયેલ વકફ મિલકતોની વિગતો છ મહિનાની અંદર ફરજિયાતપણે અપલોડ કરવી આવશ્યક છે. નોંધણી માટે છ મહિનાની સમયમર્યાદા શુક્રવારે સમાપ્ત થઈ છે.

રિજિજુએ પત્રકારોને જણાવ્યું હતું કે વકફ કાયદો લાગુ કર્યા પછી અમે ઉમ્મીદ પોર્ટલ શરૂ કર્યું અને હિતધારકોને પોર્ટલ પર બધી વકફ મિલકતોની નોંધણી કરાવવા માટે છ મહિનાનો સમય આપ્યો. આજે છેલ્લો દિવસ છે અને લાખો મિલકતો નોંધણી વગરની છે. ઘણા સાંસદો અને સામાજિક સંગઠનોના સભ્યોએ પોર્ટલની સમય મર્યાદાને લંબાવવાની વિનંતી કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક