• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

પુતિનને ગાર્ડ ઓફ ઓનર

રાષ્ટ્રપતિ ભવનમાં થયું ઔપચારિક સ્વાગત : રાજઘાટે પુતિને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, તા. 5 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે સાંજે ભારતના ઐતિહાસિક પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદી દ્વારા પ્રોટોકોલ તોડીને પુતિનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા પુતિનનું ઔપચારિક સ્વાગત થયું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં પુતિને રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પછી પીએમ મોદી અને પુતિન વચ્ચે શિખર બેઠક થઈ હતી. જેમાં શિપ બિલ્ડિંગ, ખાદ્ય સુરક્ષા, ખાતર, તબીબી શિક્ષા સહિતના ક્ષેત્ર માટે સમજૂતીઓ થઈ હતી.  રાજઘાટના કાર્યક્રમ બાદ હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે શિખર બેઠક થઈ હતી. જેમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત ઊર્જા, પ્રવાસન, હેલ્થ સહિતના મુદ્દે બન્ને દેશના નેતા વચ્ચે મહત્ત્વની વાતચીત કરવામાં આવી હતી.

ભારત અને રશિયા વચ્ચે થયેલી સમજૂતીઓમાં સહયોગ અને પ્રવાસન ઉપર સમજૂતી, અસ્થાયી શ્રમ ગતિવિધિ ઉપર સમજૂતી, ખાદ્ય સુરક્ષા અને માપદંડ ઉપર સમજૂતી, ધ્રુવીય જહાજ મુદ્દે સમજૂતી, સમુદ્રી સહયોગ અને ખાતર સંબંધિત સમજૂતી સામેલ હતી. ખાતર માટે થયેલી સમજૂતીમાં નક્કી થયું છે કે ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયાનું ઉતપાદન કરશે. ભારત-રશિયા વચ્ચે કામદારોની અવરજવરને લઈને સમજૂતી હેઠળ વિદેશ જઈને કામ કરવાની ઈચ્છા રાખતા લોકો વ્યવસ્થિત રીતે રશિયા આવી - જઈ શકશે અને સારા વેતનથી કામ કરી શકશે.

-------

રશિયાથી ભારત આવ્યું પરમાણુ ઈંધણ

ટ્રમ્પના દબાણ વચ્ચે રિએક્ટર માટે પહેલી સપ્લાય

નવી દિલ્હી, તા.પ : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મહત્ત્વપૂર્ણ મુલાકાત દરમિયાન રશિયન રાજ્ય માલિકીના પરમાણુ નિગમે તમિલનાડુના કુડનકુલમ પરમાણુ પાવર પ્લાન્ટ ખાતે ત્રીજા રિએક્ટરના પ્રારંભિક લાડિંગ માટે પરમાણુ ઇંધણનો પ્રથમ શિપમેન્ટ પહોંચાડ્યુ છે.

નિગમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રોસાટોમના પરમાણુ ઇંધણ વિભાગ દ્વારા સંચાલિત કાર્ગો વિમાને નોવોસિબિર્સ્ક કેમિકલ કોન્સન્ટ્રેટ્સ પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત ઇંધણ રિએક્ટર પહોંચાડયા હતા. કુડનકુલમ પ્લાન્ટમાં છ વીવીઈઆર-1000 રિએક્ટર હશે જેની કુલ સ્થાપિત ક્ષમતા 6000 મેગાવોટ હશે. પ્રથમ બે કુડનકુલમ રિએક્ટર 2013 અને 2016 માં ભારતના પાવર ગ્રીડ સાથે જોડાયેલા હતા. વધુ ચાર બાંધકામ હેઠળ છે. અહેવાલો અનુસાર રશિયાથી ટૂંક સમયમાં સાત વિમાનો દ્વારા વધુ પરમાણુ ઇંધણ પહોંચાડવામાં આવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક