• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

જામનગરમાં ‘આપ’ની સભામાં ઈટાલિયા પર કોંગી કાર્યકરે જુતુ ફેંક્યું

ઈસુદાન ગઢવી સહિતના નેતાઓની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ નગર સેવક સહિત અનેક આગેવાનો ‘આપ’માં જોડાયા

જામનગર, તા.5: જામનગરમાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા બાઈક રેલી-જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને લાલપુર-જામજોધપુરના હેમંત ખવા સહીતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન કોંગ્રેસના છત્રપાલસિંહ જાડેજા નામના કાર્યકરે ઈટાલિયા પર જોડાનો ઘા કરતા અફરાતરફી મચી ગઈ હતી. ઘટના બનતા જ આપના કાર્યકરોએ શખ્સને પકડીને માર માર્યો હતો દરમિયાન પોલીસ જવાનોએ તાત્કાલીક પહોંચી ગયા હતા અને કોંગી કાર્યકરને પકડી પાડયો હતો.

બાઈક રેલીનું પ્રસ્થાન મહાપ્રભુજીની બેઠકથી કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર થઈને ટાઉનહોલ સુધી પહોંચી હતી. બાઈક રેલી પૂર્ણ થયા બાદ ટાઉનહોલ ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભાને ઉપસ્થિત નેતાઓએ સંબોધી હતી. જનસભામાં જામનગર વોર્ડ નં.12ના કોંગ્રેસના પૂર્વ નગરસેવકો અસલમ ખીલજી, વકીલ જેનબબેન ખફી, ફેમીદાબેન જુણેજા તેમજ સામાજિક કાર્યકર હાજી રીઝવાન સહિતના અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક