ઇન્દોર, તા.પ : ત્રણ વર્ષનો બાળક રમકડાંથી રમતો હોય છે, મધ્યપ્રદેશના શહેર સાગરનો સર્વજ્ઞ સિંહ કુશવાહ ત્રણ વર્ષની ઉંમરે ચેસના મોહરાથી રમે છે અને ચમત્કારિક સફળતા પણ મેળવી છે. માત્ર 3 વર્ષ 7 મહિના અને 13 દિવસની ઉંમરે સર્વજ્ઞ સિંહ કુશવાહ ફીડે રેપિડ રેટિંગ હાંસલ કરનારો દુનિયાનો સૌથી નાની વયનો ચેસ ખેલાડી બની ગયો છે. ફિડે (આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘ) દ્વારા ડિસેમ્બર મહિનાના રેટિંગ જાહેર થયા છે. જેમા રેપિડમાં સર્વજ્ઞને 1પ72 રેટિંગ પોઇન્ટ મળ્યા છે. અગાઉ આ રેકોર્ડ ભારતના જ અનિશ સરકારનાં નામે હતો. તેણે ગત સાલ 3 વર્ષ 10 મહિનાની ઉંમરે ફિડે રેટિંગ મેળવ્યા હતા. સરવજ્ઞની શતરંજની ટૂંકી યાત્રા ઘણી દિલચશ્પ છે. તેના માતા-પિતાએ મોબાઇલથી દૂર રાખવા શતરંજ શીખવવાનું શરૂ કર્યું હતું. બાદમાં બાળક સરવજ્ઞની ચેસમાં રુચિ વધવા માંડી અને પોતાની ચતુરાઇથી ચાલ ચાલવા માંડયો. પાછલા બે મહિનામાં તેણે જુદી જુદી બે માન્યતા પ્રાપ્ત ચેસ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને કેટલાક અનુભવી ખેલાડીઓને માત આપીને ફિડે રેટિંગ મેળવ્યા છે. તેણે ત્રણ રેટેડ ખેલાડીને હાર આપી સનસનાટી મચાવી દીધી હતી.