• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

ઈન્ડિગોની સેવા ખોરવાતા એરલાઈન્સ કંપનીઓએ ભાડામાં ઉઘાડી લૂંટ શરૂ કરી

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 151 ફ્લાઇટ રદ કરાઈ : ગુજરાતથી અન્ય શહેરોના ભાડા પાંચ પાંચ ગણા વધારી દીધા

રાજકોટ,અમદાવાદ, તા. 5 : પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 151 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. એને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અફરાતફરી મચી ગઈ છે. દેશભરમાં ઇન્ડિગો એરલાઇનની સેવા ખોરવાઇ જતા ગુજરાતના શહેરોમાંથી દેશના વિવિધ શહેરોમાં આવન-જાવન કરતી અન્ય એરલાઇન કંપનીઓએ ગ્રાહકોની મજબૂરીનો લાભ લેવા માનવતા નેવે મૂકી દીધી છે અને વિમાની ભાડામાં ઉઘાડી લૂંટ શરૂ કરી છે.

રાજકોટથી મુંબઇ-દિલ્હીના તેમજ અમદાવાદ-સુરત-વડોદરાથી દેશના અન્ય શહેરોમાં વિમાની ભાડાઓમાં પાંચથી સાત ગણો વધારો ઝીંકી એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, અકાશા સહીતની ખાનગી વિમાની કંપનીઓએ મુસાફરોને લૂંટવાનું શરૂ કરી દીધું છે. રાજકોટથી દિલ્હી-મુંબઇ વચ્ચે દરરોજ ઇન્ડિગોની સાત ફલાઇટ ચાલે છે. આ તમામ ફલાઇટ રવિવાર સુધી રદ કરી નાખવામાં આવતા એર ઇન્ડીયાએ ભાડા પાંચ ગણા વધારી દીધા છે. ગઇકાલે સાંજે રાજકોટ-દિલ્હીનું ભાડું 7થી 8 હજારની જગ્યાએ 37 હજારે પહોંચી ગયું હતું. જ્યારે આજે પણ રાજકોટ-મુંબઇ વચ્ચે રૂ.6000ના ભાડાના બદલે રૂ.18 હજાર વસૂલવામાં આવી રહ્યા છે.

રાજકોટ-દિલ્હીની સવારે 9:50ની ફલાઇટનું ભાડું 23405 હતું, તો સવારે 10:10 વાગ્યાની ફલાઇટનું ભાડુ રૂ.35,344 તોડવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રાજકોટ-દિલ્હીનું ભાડું રૂ.7311 છે તેના બદલે પાંચ ગણા વધારી દેવાયા છે. આવી જ રીતે અમદાવાદ-સુરત-વડોદરાથી આવતી-જતી ફલાઇટોના ભાડા પણ આડેધડ વસૂલવામાં આવી રહ્યા છે.

રાજકોટની ઇન્ડિગો એરલાઇનની રવિવાર સુધીની તમામ ફલાઈટ રદ

દેશભરમાં ફ્લાઈટ એકાએક રદ થવાને કારણે હજારો મુસાફરોને અસુવિધા થઈ હતી. હવાઈ સેવા ખોરવાઈ જતા અને અન્ય એરલાઈન્સના ભાવ વધી જતાં લોકોએ રેલવે માર્ગે મુસાફરી પસંદ કરી છે. જેને કારણે ટ્રેનોમાં પણ મુસાફરોની ભીડ વધી જતા મોટાભાગની ટ્રેનમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. રાજકોટથી ઉપડતી મુંબઈ, દિલ્હી, પુના, કોલકતા અને હૈદરાબાદ સહિતની ટ્રેનોમાં એકાએક નો-રૂમના મેસેજ આવી ગયા છે. રાજકોટથી ઉપડતી સાપ્તાહિક અને દૈનિક ટ્રેનોમાં સ્લીપર ક્લાસ, થ્રી ટાયર અને સેકન્ડ એસી કોચમાં વેઇટિંગ જોવા મળ્યું રહ્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક