DGDCએ રોસ્ટર સંબંધિત નિયમ પરત ખેંચી લીધો : હજી પણ સ્થિતિ થાળે પડતાં અઠવાડિયું લાગશે
ઉચ્ચ
સ્તરની તપાસનો આદેશ : રેલવેએ અમુક ટ્રેનમાં વધારાના કોચ જોડયા
નવી
દિલ્હી, તા. 5 : દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોના પરિચાલનમાં મુશ્કેલી સતત ચોથા દિવસે
પણ યથાવત અને વધુ વકરેલી રહી હતી. ઈન્ડિગોએ શુક્રવારે દિલ્હી અને દેશના અન્ય એરપોર્ટસથી
ઓછામાં ઓછી 1000 ફલાઈટ રદ કરી દીધી હતી. જે ઈન્ડિગોની કુલ વિમાન સેવાનાં અડધા હિસ્સા
કરતાં પણ વધી ગઈ હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ બન્યો હતો. આ પહેલા ગુરુવારે પણ
550થી વધારે ફલાઈટસ રદ કરવામાં આવી હતી. ઈન્ડિગોની ફલાઈટસ રદ થવાના કારણે દેશભરમાં
હડકંપ મચ્યો છે અને એરપોર્ટસ ઉપર લોકોની કતારો થઈ છે. ત્યારે ડીજીસીએએ રોસ્ટર ઉપરનો
આદેશ પરત ખેંચી લીધો છે. આ ઉપરાંત સરકાર તરફથી ઈન્ડિગોના સંચાલનમાં આવેલી તકલીફની ઉચ્ચ
સ્તરની તપાસનો આદેશ આપ્યો છે. એરપોર્ટે મુશ્કેલીની સ્થિતિને ધ્યાને રાખીને રેલવે દ્વારા
અમુક ટ્રેનમાં વધારાના કોચ જોડવાનો પણ નિર્ણય લીધો હતો. દરમિયાન ઈન્ડિગોનાં સીઈઓ પીટર
એલ્બર્સે આ કટોકટી વચ્ચે પહેલીવાર નિવેદન આપતાં કહ્યું હતું કે આજનો દિવસ સૌથી વધુ
પ્રભાવિત રહ્યો છે અને સ્થિતિ થાળે પડતા હજી 10થી 15 ડિસેમ્બર સુધીનો સમય લાગી શકે
છે.
ડીજીસીએએ
એક નોટિસ જારી કરીને કહ્યું હતું કે ઘણી ફલાઈટસના પરિચાલનમાં સતત આવી રહેલી બાધા અને
એરલાઈન્સ તરફથી મળેલા આવેદનને ધ્યાને લઈને
‘સાપ્તાહિક અવકાશ’ના નિર્ણયને તત્કાળ પ્રભાવથી પરત લેવામાં આવે છે. અગાઉ ડીજીસીએએ
તમામ એરલાઈન્સને નિર્દેશ જારી કરતા કહ્યું હતું કે ફલાઈટ ક્રૂ માટે સપ્તાહમાં વધુ આરામનો
સમય નિર્ધારીત કરવામાં આવે. રોસ્ટરમાં પાયલોટ અને ક્રૂ માટે નાઈટ શિફ્ટ પહેલા છ દિવસ
હતી જે ઘટાડીને બે દિવસ કરવામાં આવી હતી. જેના કારણે ક્રૂ સમય ઉપર પહોંચી શક્યા નહોતા.
નાગરીક
ઉડ્ડયન મંત્રાલયે ફલાઈટ શેડયુલમાં થયેલી ભારે અવ્યવસ્થાને દૂર કરવા અને સેવાઓને સ્થિર
કરતા એરલાઈન્સ માટે તત્કાળ લાગુ થનારી કાર્યવાહી શરૂ કરી હતી. તેમજ ખાસ કરીને ઈન્ડિગો
માટે આદેશ જારી કર્યા હતા. જેમાં યાત્રીઓની સુવિધાનું પણ ધ્યાન રાખવા કહેવામાં આવ્યું
હતું. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે ઈન્ડિગોના સંચાલનમાં બાધાની જાણકારી મેળવવા
અને જવાબદારી નક્કી કરવા ઉચ્ચ સ્તરની તપાસનો આદેશ અપાયો છે.
આ
દરમિયાન ઈન્ડિગોએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે છેલ્લા બે દિવસમાં તેનું નેટવર્ક
ગંભીર રીતે બાધિત થયું છે અને ગ્રાહકો પાસે માફી માગી છે. એરલાઈન્સે ડીજીસીએને સૂચિત
કર્યું છે કે તે 8 ડિસેમ્બરથી ફલાઈટમાં કાપ મુકશે અને 10 ફેબ્રુઆરી 2026 સુધી જ સંચાલન
પુરી રીતે સ્થિર થવાની આશા છે. એરલાઈને સ્વીકાર્યું હતું કે એફડીટીએલ નિયમોના બીજા
તબક્કાને લાગુ કરવાની ગણતરીમાં ભૂલના કારણે વ્યાપક બાધા ઉભી થઈ હતી.