ભારત-રશિયા બિઝનેસ ફોરમમાં પુતિન અને પીએમ મોદીનું સંબોધન : ભારત પ્રવાસ માત્ર તેલ-ગેસના સોદા માટે નહીં : વ્લાદિમીર પુતિન
નવી
દિલ્હી, તા. 5 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા દરમિયાન ઈન્ડિયા-રશિયા
બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંબોધન કરતા પુતિને કહ્યું હતું કે
તેઓનો ભારત પ્રવાસ તેલ,ગેસ ઉપર વાત કરવા કે સોદો કરવા માટે નથી પણ ભારત સાથે દરેક ક્ષેત્રમાં
સંબંધ અને વ્યાપાર વધારવા માગે છે. આ માટે જ બિઝનેસ ફોરમનું આયોજન થયું છે. રશિયાની
કંપનીઓ ભારત પાસેથી વિભિન્ન પ્રકારના સામાનની ખરીદી કરવા તૈયાર છે. પુતિને પોતાના સંબોધનમાં
પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને ભારતના આર્થિક વિકાસને પણ વખાણ્યો હતો.
જ્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે, ટેક્સટાઈલ, ઈવી ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર
વગેરેમાં ભારત-રશિયા વચ્ચે મહત્ત્વની તક છે. જેનો ઉપયોગ કરીને દ્વિપક્ષીય વ્યાપાર વધારી
શકાય તેમ છે. વધુમાં પર્યટન પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. મોદીએ ઉમેર્યુ હતું કે,
પુતિન સાથેની વાટાઘાટમાં બંને દેશ વચ્ચે વેપારને 2030 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચાડવા
લક્ષ્ય બાંધવામાં આવ્યું છે.
ભારત-રશિયા
શિખર વાર્તા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ મોદી ઈન્ડિયા-રૂસ બિઝનેસ
ફોરમમાં પહોંચ્યા હતા. જેમાં વ્લાદિમીર પુતિને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે તેમની
ટીમ માત્ર તેલ અને ગેસ ઉપર વાત કરવા કે સોદો કરવા માટે ભારત નથી આવી. રશિયા ભારત સાથે
દરેક ક્ષેત્રમાં સંબંધ અને વ્યાપાર વધારવા માગે છે. પુતિન અનુસાર પીએમ મોદીએ ઘણી વખત
વાતચીતમાં કહ્યું છે કે ભારતના ઘણા ક્ષેત્રમાં મોટી સંભાવનાઓ છે. જો કે બન્ને દેશોએ
તેનો પૂરો ફાયદો હજી સુધી લીધો નથી. આ જ કારણે બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું
છે. જેથી બન્ને દેશ નવા ક્ષેત્રમાં ભાગીદારી વધારી શકે અને તકનો વધુ ઉપયોગ કરી શકે.
પુતિને
પીએમ મોદીની નીતિઓની સરાહના કરતા કહ્યું હતું કે મોદીના નેતૃત્વમાં ભારત પૂરી રીતે
સ્વતંત્ર અને સ્વાયત નીતિ અપનાવી રહ્યું છે અને તેના સારા પરિણામ પણ આવી રહ્યા છે.
આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થામાં સામેલ છે. તેમણે મેક ઈન ઈન્ડિયા
જેવી પહેલને ભારતની આર્થિક સફળતાનું મોટું કારણ ગણાવ્યું હતું. પુતિને કહ્યું હતું
કે, આ નીતિઓના કારણે ભારત ટેકનિકલ રૂપે આત્મનિર્ભર બની રહ્યું છે અને આઈટી તેમજ દવા
ઉદ્યોગમાં ભારત દુનિયામાં અગ્રણી સ્થાને પહોંચી ચુક્યું છે.
પુતિને
આગળ કહ્યું હતું કે, રશિયા અને ભારત લાંબા
સમયથી વિશ્વાસપાત્ર વેપારી ભાગીદાર છે અને કારોબાર બન્ને દેશ વચ્ચે સતત વધી રહ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં દ્વિપક્ષીય વેપારમાં 80 ટકાની વૃદ્ધિ થઈ છે. તેઓ ભારત અને રશિયા
વચ્ચેના આર્થિક સંબંધોને વધારે મજબુત કરવા ઉપર ધ્યાન આપી રહ્યા છે. આજે થયેલી બેઠક
બાદ બન્ને દેશે આર્થિક સહયોગ વધારવા મહત્ત્વના દસ્તાવેજ ઉપર સહમતિ બનાવી છે. રશિયાની
કંપનીઓ ભારતમાંથી વિભિન્ન સામાનો અને સેવાઓની ખરીદી કરવા માટે તૈયાર છે. પુતિને ભરોસો
આપ્યો હતો કે ભારત અને રશિયા વચ્ચે વ્યાપાર વધારવા માટે દરેક નવા પ્રયાસ અને પહેલને
રશિયા પુરી રીતે સમર્થન આપશે.
ફોરમને
સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મોટા પ્રતિનિધિમંડળ
સાથે ભારત આવવું મહત્ત્વપુર્ણ પહેલ છે. મોદીએ પુતિનનો અભાર વ્યક્ત કરતા કહ્યું હતું
કે ભારત અને યુરેશિયન ઈકોનોમિક યુનિયન વચ્ચે એફટીએ ઉપર વાતચીત શરૂ થઈ ચૂકી છે. બિઝનેસ
હોય કે કુટનીતિ, દરેક ભાગીદારીનો પાયો વિશ્વાસ હોય છે. આ ભરોસો ભારત-રશિયા સંબંધોની
સૌથી મોટી તાકાત છે. જે બન્ને દેશના સંયુક્ત
પ્રયાસોને ગતિ અને દિશા આપે છે.
મોદીએ
કહ્યું હતું કે તેમણે અને પુતિને દ્વિપક્ષીય વ્યાપારને 2030 સુધીમાં 100 અબજ ડોલરથી
ઉપર લઈ જવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. બન્ને દેશ વચ્ચે ટેરિફ અને નોન ટેરિફ બાધાઓને
ઝડપથી ઘટાડવામાં આવી રહી છે. જેનાથી વ્યાપાર અને રોકાણનો રસ્તો સરળ બનશે. 11 વર્ષમાં
ભારતમાં ઝડપી બદલાવ થયા છે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સિદ્ધાંત ઉપર ચાલતા
ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
ભારતે
ડિફેન્સ અને સ્પેસ સેક્ટરને ખાનગી કંપનીઓ માટે ખોલ્યા છે. જેનાથી નવી તક પેદા થઈ છે.
આવી રીતે સિવિલ ન્યુક્લિયર ક્ષેત્રમાં પણ ખાનગી ભાગીદારીના દરવાજા ખોલવામાં આવી રહ્યા
છે. આ માત્ર પ્રશાસનિક સુધાર નહીં પણ વિચારમાં બદલાવ છે. આ સુધારાનું લક્ષ્ય વિકસીત
ભારત બનાવવાનું છે.
મોદીએ
ફોરમમાં કહ્યું હતું કે આજે ભારત વાજબી અને કુશળ ઈવી, ટુવ્હીલર અને સીએનજી મોબિલિટીમાં
વૈશ્વિક નેતા બની ચૂક્યું છે. રશિયા ગુણવત્તાયુક્ત સામગ્રીનું મોટું ઉત્પાદક છે. બન્ને
દેશ મળીને ઈવી નિર્માણ, ઓટોમોટિવ સામગ્રી અને વાયરલેસ મોબિલિટી ટેકનોલોજીમાં ભાગીદારી
કરી શકે છે. વધુમાં ભારત દુનિયાભરમાં વાજબી અને ઉચ્ચ ગુણવત્તાની દવા પહોંચાડે છે. આ
માટે ભારતને ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ કહેવામાં આવે છે. ભારત અને રશિયા મળીને વેક્સીન
ડેવલોપમેન્ટ, કેન્સર થેરાપી, રેડિયો ફાર્માસ્યુટિકલ અને એપીઆઈ સપ્લાઈ ચેનમાં સહયોગ
કરી શકે છે. જેનાથી સ્વાસ્થય સુરક્ષા વધશે અને નવા ઉદ્યોગ પણ વિકસીત થશે. ભારતમાં પ્રાકૃતિક
ફાઈબરથી લઈને ટેક્સટાઈલમાં ઘણી તક છે. જ્યારે રશિયા પોલીમર અને સિંથેટિક કાચા માલનું
પ્રમુખ ઉત્પાદક છે. બન્ને દેશ મળીને મજબૂત ટેક્સટાઈલ ચેન વિકસીત કરી શકે છે.
પીએમ
મોદીએ આગળ ઉમેર્યું હતું કે આજે બન્ને દેશના નાગરિકો માટે ટૂરિસ્ટ વીઝામાં મહત્ત્વના
નિર્ણય લેવાયા છે. જેનાથી પર્યટનનો વિકાસ થશે. ટૂર ઓપરેટર્સ માટે નવા વ્યવસાયની તક
ખુલશે અને રોજગાર વધશે. ભારત અને રશિયા ઈનોવેશન, કો-પ્રોડક્શન અને કો-ક્રિએશનની નવી
યાત્રા શરૂ કરી રહ્યા છે.
ભારત
- રશિયાની મિત્રતા ધ્રુવ તારા જેવી : મોદી
મોદી-
પુતિન વચ્ચે મંત્રણા: અનેક મહત્ત્વની સમજૂતિ : રશિયન પ્રવાસીઓ માટે 30 દિવસના ઇ ટૂરિસ્ટ
વિઝાનું મોદીનું એલાન : ભારતને શત્રો પૂરા પાડતા રહેવા રશિયાની ખાતરી
નવી
દિલ્હી, તા. 5 : ભારતના ઐતિહાસિક પ્રવાસે પહોંચેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે શુક્રવારે શિખર બેઠક થઈ હતી. જેમાં બન્ને નેતાઓ
દ્વારા દ્વિપક્ષીય સંબંધો અને અન્ય બાબતોએ વાતચીત કરી હતી. બેઠક બાદ એક સંયુક્ત પ્રેસ
કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને રશિયાની મિત્રતા
ધ્રુવ તારા જેવી છે. પુતિનનાં નેતૃત્વમાં અઢી દશકમાં સંબંધો વધારે મજબૂત બન્યા છે.
પીએમ મોદીએ આ દરમિયાન પહલગામ આતંકી હુમલા અને ક્રોકસ સિટીમાં કાયરતાપૂર્ણ હુમલાનો ઉલ્લેખ
કર્યો હતો અને કહ્યું હતું કે, આતંકવાદ સામે ભારત અને રશિયા સાથે મળીને લડી રહ્યા છે.
બીજી તરફ પુતિને કહ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચેનો વેપાર છેલ્લા એક વર્ષમાં
12 ટકા વધ્યો છે. ભારતમાં રશિયાની મદદથી સૌથી મોટો ન્યુક્લિયર પ્લાન્ટ બનાવવામાં આવશે.
પુતિને એક મોટું એલાન કરતા કહ્યું હતું કે તેઓ ભારત સાથે મળીને નવો આંતરરાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ
રૂટ બનાવી રહ્યા છે. જેમાં એક પ્રોજેક્ટ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર સામેલ છે.
એટલે કે રશિયા કે બેલારુસથી સામાન સીધો હિંદ મહાસાગરના રસ્તે પહોંચશે.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠક બાદ એક સંયુક્ત પ્રેસ
કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે પુતિનની યાત્રા એવા સમયે
થઈ રહી છે જ્યારે ભારત-રશિયાના સંબંધો ઐતિહાસિક સિમાચિહ્નથી પસાર થઈ રહ્યા છે. પુતિનના
રાષ્ટ્રપતિ પદ દરમિયાન જ વર્ષ 2000માં બન્ને દેશ વચ્ચે રણનીતિક ભાગીદારી શરૂ થઈ હતી.
25 વર્ષ પહેલા પુતિને જ ભાગીદારીનો પાયો રાખ્યો હતો. જેમાં માનવતાના ઘણા સંકટ જોવા
પઠડયા છે પણ ભારત રશિયાની મિત્રતા ધ્રુવ તારાની જેમ યથાવત્ રહી છે. છેલ્લા 25 વર્ષમાં
પુતિને પોતાનાં નેતૃત્વથી સંબંધો મજબૂત કર્યા છે.
પીએમ
મોદીએ કહ્યું હતું કે 2010માં ભારત રશિયાની ભાગીદારીને સ્પેશિયલ પ્રિવિલેઝ્ડ પાર્ટનરશિપનો
દરજ્જો અપાયો હતો. છેલ્લા અઢી દશકથી રાષ્ટ્રપતિ પુતિને પોતાની નેતૃત્વ ક્ષમતા અને દૂરદર્શિતાથી
સંબંધોને મજબૂત કર્યા છે. દરેક પરિસ્થિતિમાં તેમની નેતૃત્વ ક્ષમતાએ ભારત-રશિયાના સંબંધોને
નવી ઊંચાઈ સુધી પહોંચાડયા છે. જેના માટે તેઓ મિત્ર પુતિનનો દિલથી આભાર માને છે.
વડાપ્રધાન
મોદીએ કહ્યું હતું કે એનર્જી સિક્યોરિટી પાર્ટનશિપ ભારત-રશિયાની ભાગીદારીનો અકે મહત્ત્વનો
સ્તંભ રહી છે. સિવિલ ન્યુક્લિયર એનર્જીમાં દશકો જુની ભાગીદારીએ સ્વચ્છ ઊર્જાના લક્ષ્યો
મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
ક્રિટિકલ
મિનરલ્સમાં સહયોગ દુનિયાભરમાં સુરક્ષિત અને વિવિધ સપ્લાઈ ચેનને બનાવી રાખવા ખૂબ જ જરૂરી
છે. આગળ કહેવામાં આવ્યું હતું કે જહાજ નિર્માણમાં સહયોગ મેક ઇન ઇન્ડિયાને વધારે મજબૂત
કરવાની ક્ષમતા રાખે છે. જેનાથી નોકરી, સ્કીલ્સ અને ક્ષેત્રીય કનેક્ટિવિટીને પ્રોત્સાહન
મળશે.
મોદીએ
કહ્યું હતું કે, ભારત અને રશિયા લાંબા સમયથી આતંકવાદ સામે લડાઈમાં સાથે ઉભા છે. પહલગામ
આતંકી હુમલો હોય કે ક્રોકસ સિટી હોલમાં થયેલો કાયરતાપૂર્ણ હુમલો હોય, આ તમામ ઘટનાનું
મૂળ એક જ છે. ભારતને વિશ્વાસ છે કે આતંકવાદ માનવતાનાં મૂલ્યો ઉપર સીધો હુમલો છે અને
તેનાસામે દુનિયાની એકતા સૌથી મોટી શક્તિ છે.
આ
દરમિયાન મોદીએ એલાન કર્યું હતું કે ચાલુ વર્ષે ઓક્ટોબરમાં લાખો ભક્તોએ ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ
ફોરમમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના આશીર્વાદ લીધા હતા. તેઓને ખુશી થઈ રહી છે કે
ટૂંક સમયમાં રશિયન નાગરીકો માટે 30 દિવસના ફ્રી ઇ ટૂરિસ્ટ વિઝા અને 30 દિવસના ગ્રુપ
ટુરિસ્ટ વિઝા શરૂ કરવા જઈ રહ્યા છે.
રશિયાના
રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે પીએમ મોદી સાથે ડિનર ઉપર વાતચીત ખાસ અને પ્રિવિલેઝ્ડ
સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ માટે ખૂબ જ મદદગાર રહી હતી. તેમણે પીએમ મોદી સાથે એક નજીકનો
વર્કિંગ ડાયલોગ બનાવ્યો છે. તેઓ એસસીઓ સમિટ મળ્યા હતા અને પોતે જ રશિયા-ભારત ડાયલોગની
દેખરેખ કરી રહ્યા છે. પીએમ મોદીએ એવા પડકારોની યાદી આપી છે જેના ઉપર બન્ને સરકારે ધ્યાન
આપવું જોઈએ અને તેના ઉપર કામ કરવામાં આવશે. ભારત અને યુરેશિયન ઈકોનોમિક યુનિયન વચ્ચે
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બનશે તો બન્નેને ફાયદો થશે.
બન્ને
દેશ ધીરે ધીરે પોતાની રાષ્ટ્રીય મુદ્રામાં વ્યાપાર તરફ આગળ વધી રહ્યા છે અને વર્તમાન
સમય આવી જ રીતે 96 ટકા વ્યવહાર થઈ રહ્યા છે. ઊર્જા ક્ષેત્રમાં ભાગીદારી ખુબ સફળ છે. તેલ, ગેસ, કોલસા
અને ભારતની ઊર્જા જરૂરિયાત સંબંધિત દરેક વસ્તુની સપ્લાઈ સ્થિર છે.
પુતિને
એક મોટું એલાન કરતા કહ્યું હતું કે તેઓ ભારત સાથે મળીને નવો આંતરરાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ
રૂટ બનાવી રહ્યા છે. જેમાં એક પ્રોજેક્ટ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર સામેલ છે.
એટલે કે રશિયા કે બેલારુસથી સામાન સીધો હિંદ મહાસાગરના રસ્તે પહોંચશે.
પુતિને
કહ્યું હતું કે ભારત અને રશિયા મળીને ભારતમાં સૌથી મોટો ન્યુક્લિયર પ્લાન્ટ બનાવી રહ્યા
છે. જેકુડનકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ છે. આ ભારત જ નહીં એશિયાના સૌથી મોટા ન્યુક્લિયર
પ્લાન્ટમાંથી એક છે. આ પ્લાન્ટમાં કુલ 6 રિએક્ટર બનશે. જે 6000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન
કરશે.
પુતિને
આગળ કહ્યું હતું કે ગયાં વર્ષે ભારત અને રશિયા વચ્ચેનો વ્યાપાર 12 ટકા વધ્યો છે. જે
એક નવો રેકોર્ડ છે. છેલ્લાં લગભગ 50 વર્ષથી રશિયા ભારતીય સેનાને હથિયાર આપવા અને તેને
આધુનિક બનાવવામાં મદદ કરતું આવ્યું છે અને હજી પણ આ મદદ થતી રહેશે.