• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

2024માં દરરોજ 485 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ મૃત્યુનો કુલ આંકડો 1.77 લાખ : લોકસભામાં સરકારે આપી જાણકારી

નવી દિલ્હી, તા. 5 : સડક પરિવહન મંત્રાલયે લોકસભામાં જાણકારી આપી હતી કે વર્ષ 2024માં દેશભરમાં માર્ગ અકસ્માતમાં 1.77 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે સરેરાશ દરરોજ 485 મૃત્યુ છે. આ આંકડો 2023ની તુલનામાં 2.3 ટકા વધારે છે જ્યારે 1.73 લાખ લોકોનો જીવ ગયો હતો. રાષ્ટ્રીય રાજમાર્ગ કે જે દેશના કુલ સડક નેટવર્કનો 2 ટકા હિસ્સો છે, તેમાં 54,443 (31 ટકા) મૃત્યુ નોંધાયાં છે. જે ગત ચાર વર્ષમાં સૌથી ઓછો હિસ્સો છે.

ડીએમકે સાંસદ એ રાજાના સવાલ ઉપર લેખિત જવાબ આપતા કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મળેલા ડેટા અનુસાર 2024માં 1,77,177 મૃત્યુ થયાં હતાં. પશ્ચિમ બંગાળનો ડેટા ઇડીએઆર પોર્ટલમાંથી લેવામાં આવ્યો છે. સરકાર અનુસાર ઈડીએઆર સિસ્ટમથી દુર્ઘટનાની રિયલ ટાઇમ જાણકારી વધારે યોગ્ય રીતે મળી રહી છે. જો કે મામુલી સુધારાની સંભાવના હજી પણ છે અને વાર્ષિક રિપોર્ટમાં આંકડા હજી વધી શકે છે.

વધુમાં જાણકારી આપવામાં આવી હતી કે નેશનલ હાઇ વે ઉપર અકસ્માતની સંખ્યા 1.52 લાખથી ઘટીને 1.29 લાખ થઈ છે જ્યારે મૃત્યુ 2021ના 56,007થી ઘટીને 54,000 આસપાસ છે. ઉત્તર પ્રદેશમાં નેશનલ હાઇ વે ઉપર મૃત્યુના બનાવમાં ઘણો ઘટાડો આવ્યો છે. 2023માં 8446 મૃત્યુ હતાં, જે 2024માં 5524 થયાં છે. અધિકારીઓ આ આંકડાને સકારાત્મક સંકેત માને છે. જો કે હજી પણ ઘણી કામગીરીની જરૂરિયાત છે

ઇ-પેપરના નવા શુલ્ક