અમદાવાદ એરપોર્ટ પર સોનાની તસ્કરીનો પર્દાફાશ : મોઢામાં સોનાની ચાર કેપ્સ્યુલ છુપાવી બેંગકોકથી આવ્યો મુસાફર : 17.39 લાખનું સોનું જપ્ત
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.1 : અમદાવાદના સરદાર
વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે સોનાની
તસ્કરીના એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. જેને જોઈને અધિકારીઓ પણ માથું
ખંજવાળતા થઈ ગયા છે. સોનું છુપાવવા માટે તસ્કરો હવે શરીરના કુદરતી અંગોનો સહારો લઈ
રહ્યા છે, જે માત્ર ગેરકાયદે જ નહીં પણ જીવલેણ સાબિત થઈ શકે છે. બેંગકોકથી આવેલો એક
મુસાફર કસ્ટમ્સ ચાકિંગથી બચવા માટે સોનાની ચાર કેપ્સ્યુલ પોતાના મોઢામાં છુપાવીને લાવ્યો
હતો. અધિકારીઓએ આ મુસાફર પાસેથી 108.07 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું છે, જેની
બજાર કિંમત આશરે 17.39 લાખ રૂપિયા થાય છે તેમજ અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી
ચાર મહિલા મુસાફરો પાસેથી 1.52 કરોડની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું
છે. તસ્કરોએ સોનાને ઓળખાય નહીં તે રીતે તેના પર રોડિયમનું પડ ચઢાવ્યું હતું પરંતુ કસ્ટમ્સ
અધિકારીઓની સતર્કતાએ આ આખા ખેલનો પર્દાફાશ કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે 1 ફેબ્રુઆરીના રોજ જેદ્દાહથી
અકાસા એરની ફ્લાઇટ નંબર કયુપી 564 અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. મુસાફરોના સામાનના
એક્સ-રે સ્કાનિંગ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને કેટલીક શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી. શંકાના
આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે મહિલા મુસાફરોને અટકાવી તેમની સઘન તપાસ હાથ ધરી
હતી. પ્રાથમિક પૂછપરછમાં મહિલાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, આ સોનું તેમની સાથે
મુસાફરી કરી રહેલા એક ટ્રાવેલ એજન્ટે તેમને આપ્યું હતું. કસ્ટમ્સ વિભાગ હવે આ ટ્રાવેલ
એજન્ટની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે. પશ્ચિમ એશિયા અને ભારત વચ્ચે ચાલતા સંગઠિત સોનાની
તસ્કરીના નેટવર્કમાં આ ટોળકીની સંડોવણી હોવાની પ્રબળ આશંકા છે.
તેમજ 31 જાન્યુઆરીની મોડી રાત્રે
બેંગકોકથી વિયેતજેટ એરની ફ્લાઇટ નંબર ટણ 750 અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. અઈંઞના અધિકારીઓને
શંકાસ્પદ મુસાફરો અંગેના અગાઉથી મળેલા ઇનપૂટ્સ અને મુસાફરના હાવભાવ પરથી શંકા ગઈ હતી.
આ મુસાફરને અટકાવીને જ્યારે તેની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીઓ
પણ ચોંકી ઉઠયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મુસાફરે કાળા રંગની એડહેસિવ ટેપમાં
લપેટેલી કેપ્સ્યુલ આકારની સોનાની ચાર લગડીઓ પોતાના મોઢામાં છુપાવી રાખી હતી. આ સોનાની
શુદ્ધતા 24 કેરેટ માલૂમ પડી હતી. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ આ મુદ્દામાલ જપ્ત કરીને મુસાફર
વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગે આ ચારેય કેપ્સ્યુલ
બહાર કઢાવી તેનું વજન કર્યું ત્યારે તે 108.07 ગ્રામ 24 કેરેટનું શુદ્ધ સોનું હોવાનું
બહાર આવ્યું. આ સોનાની હાલની બજાર કિંમત અંદાજે 17.39 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
હાલમાં મુસાફરની ઓળખ ગુપ્ત રાખી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.