પોલીસ, બોમ્બ, ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસની ટીમો દ્વારા તપાસ : શંકાસ્પદ વસ્તુ ન મળતા હાશકારો
ડીટીટીવી દિનાકરણ નામથી રાજકોટ
કોર્ટને ઈ-મેઈલ મળ્યો : બોટાદમાં યુક્રેનિયન ભાષામાં મોકલાયેલા ઈ-મેઈલથી ફેલાયો ભય
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, જૂનાગઢ, બોટાદ,તા.2 :
‘તમિલનાડુમાં છેડતીની ફરિયાદ લેવામાં આવતી ન હોવાથી તમિલનાડુ પોલીસ અને ડીજીપી સામે
રોષના કારણે ગુજરાતમાં અમે માઉવાદીઓ સાથે મળી અલગ અલગ જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કર્યો છે’
તેવો ઇ-મેલ આજે રાજકોટ અને બોટાદની કલેક્ટર કચેરી તેમજ જૂનાગઢ જિલ્લા કોર્ટને મળ્યો
હતો. જે અંગે સ્થાનિક પોલીસ તંત્રએ ત્વરીત તપાસ કામગીરી હાથ ધરી હતી, જેમાં એકપણ સ્થળે
કંઈ શંકાસ્પદ ન મળતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
રાજકોટ શહેરના જામનગર રોડ પર
આવેલી કોર્ટ બિલ્ડિગ અને જિલ્લા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે
વહીવટી તંત્ર અને કોર્ટના સત્તાધીશો દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. જે
બાદ તાત્કાલિક રાજકોટ શહેર એસઓજી પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસની
ટીમો દ્વારા કોર્ટ બિલ્ડિગ અને જિલ્લા કલેક્ટર કચેરીએ તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે
તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. ધમકી ભર્યા ઈ-મેલ અંગે સાયબર ક્રાઈમ
પોલીસે તપાસ હાથ ધરી છે. કોર્ટને જે ઈ-મેલ મળ્યો હતો તે ડીટીટીવી દિનાકરણ નામથી મળ્યો
છે. જેમાં બપોરના 2:10 વાગ્યે 3 બોમ્બ ફૂટશે તેવી ધમકી આપવામાં આવી હતી.
તા.30 જાન્યુઆરીના સાંજે 6 કલાકે
બોટાદ કલેક્ટર કચેરીના અધિકૃત ઈ-મેઈલ આઈડી પર અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યો સંદેશ
મોકલવામાં આવ્યો હતો. આ ઈ-મેઈલ યુક્રેનિયન ભાષામાં લખાયેલો હતો, જેમાં પ્રશાસનિક ઈમારતો,
શાળાઓ અને જાહેર સ્થળોએ બોમ્બ મૂક્યાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલનો અનુવાદ કરતા
તેમાં વિસ્ફોટ થવાની ચેતવણી અને લોકોની જાનહાનીની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તાત્કાલિક
નિવાસી અધિક કલેક્ટરને જાણ કરી પોલીસ કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી હતી. બાદમાં
લોકલ ક્રાઈમ બ્રાંચ, એસ.ઓ.જી., બોમ્બ સ્ક્વોડ અને સાયબર ક્રાઈમ ટીમ દ્વારા કલેક્ટર
કચેરી તથા આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. રાત સુધી ચાલેલી તપાસમાં
કોઈ વિસ્ફોટક સામગ્રી કે શંકાસ્પદ વ્યક્તિ મળી ન આવતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો.
જુનાગઢ જિલ્લા ન્યાયાલયને બોબથી
ઉડાવી દેવાની ઈ-મેઇલ દ્વારા ધમકી મળતા ન્યાયાલયમાં ચકચાર ફરી વળી હતી. આ અંગેની પોલીસને
જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ન્યાયાલય ખાતે દોડી આવી કોટૅ પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ
ધર્યું હતુ. ડોગ સ્કવોડ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
હતું તેમજ સાયબર ક્રાઇમની ટીમ મેઈલના લોકેશનની તપાસમાં લાગી છે.