• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

સુરતમાં જાણીતા બિલ્ડરનો રિવોલ્વરથી ગોળી ધરબી આપઘાતનો પ્રયાસ

5 મી ફેબ્રુઆરીએ પુત્રીના લગ્ન હોવાથી ખુશીના માહોલ વચ્ચે ગમગીની : બિલ્ડરની હાલત ગંભીર

સુરત, તા.1: સુરતના અગ્રણી બિલ્ડર અને ઘેલાણી ગ્રુપના માલિકે ગત મોડી રાત્રે પોતાના ઘરે પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે બિલ્ડરને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ બિલ્ડરની દીકરીના આજે લગ્ન લખવાના હતા અને આગામી તા. 5 ના રોજ લગ્ન હતા.  ઘટના અંગે જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી બિલ્ડરની રિવોલ્વર કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સિટીલાઇટ વિસ્તારમાં રહેતા અને  શહેરના અગ્રણી બિલ્ડર તરીકે જાણીતા તુષાર ઘેલાણીએ અગમ્ય કારણોસર મોડી રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયારિંગ કરી પોતાને ગોળી મારી હતી. ગોળીબારનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સાર વાર માટે મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે બિલ્ડર તુષાર ઘેલાણીની પુત્રીના લગ્ન આઘામી તા. 5 ફેબ્રુઆરીએ હોવાથી ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. જ્યાં મહેમાનોની અવરજવર અને ખુશીઓનો માહોલ હોવો જોઈએ, ત્યાં આ ઘટનાને પગલે પરિવાર અને બિલ્ડર આલમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ તુષાર ઘેલાણીએ આ પગલું ઘરકંકાસને કારણે ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે તેમના આપઘાતના પ્રયાસનુ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં તુષાર ઘેલાણીની સ્થિતિ અત્યંત ગંભીર  હોવાનું જાણવા મળ્યું છે તેને વધુ સાર વાર માટે મુંબઈ લઈ જવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. અને પોલીસે ગુનો નોંધી રિવોલ્વર કબજે કરી છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળનું સાચું કારણ જાણવા માટે પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક