• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવો એ જ લક્ષ્ય : જેન્સી કાનાબાર

ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક ઈલાઈટ U-14 ટ્રોફી વિજેતા જૂનાગઢની જેન્સીએ સ્ટેફીગ્રાફની જેમ 3.5 વર્ષની ઉંમરથી લોન ટેનીસ શીખવાનું શરૂ કર્યું હતું

 જયદીપ પંડયા

રાજકોટ, તા. 2 : લોન ટેનીસની રમત હજુ ભારતના મોટા શહેરોમાં પણ મર્યાદિત સ્તરે રમાય છે. અને રાષ્ટ્રીય સ્તરે ઝળકેલા મોટાભાગના ખેલાડીઓ પણ મેટ્રો સિટીમાં નિષ્ણાંત કોચની એકેડમીમાં તાલીમ લીધેલા હોય છે. એવામાં જેની ગણના યાત્રાધામ તરીકે થાય છે અને જેની ઓળખ ગિરનાર તથા સિંહ છે, એવા જૂનાગઢ જેવા શહેરમાં જન્મેલી-ઉછરેલી જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક ઈલાઈટ ં ઞ-14 ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી  જીતીને લોન ટેનીસ ક્ષેત્રે વિશ્વના ટોચના ખેલાડીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

ટેનીસના ગઢ ગણાતા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે તાજેતરમાં આ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં દેશ-વિદેશથી પ્રતિભાશાળી યુવા-કિશોર વયના ખેલાડીઓ ભાગ લેવા આવ્યા હતા. આ સ્પર્ધામાં જેન્સી કાનાબારે ત્રણ લીગ રાઉન્ડ, બાદ એક સેમિફાઈનલ અને છેલ્લે ફાઈનલ મેચ પણ જીતીને ટેનિસ જગતને દંગ કરી દીધું હતું.

તેના પિતા દિપકભાઈ કાનાબાર જૂનાગઢના આણંદપર ગામે પ્રાથમિક શિક્ષક છે,  તેઓ ‘ફૂલછાબ’ને જણાવે છે કે, મારે સંતાનમાં એકમાત્ર પુત્રી જેન્સી છે. મને ટેનિસ પ્રત્યે લગાવ હતો. નાની વયે વિમ્લબડન જીતનારી સ્ટેફીગ્રાફને તેના પિતાએ 3.5 વર્ષની ઉંમરથી ટેનિસ શીખવવાનું શરૂ કર્યું હતું. તેમાંથી પ્રેરણા લઈને મેં પણ આમ જ કર્યું. જેન્સી 3.5 વર્ષની થઈ ત્યારથી તેને મેં ટેનીસ શીખવવાનું શરૂ કરી દીધું હતું.

જુનાગઢમાં તેને પધ્ધતિસરની તાલીમ મળે તે માટે અમે મિત્રોએ સાથે મળી બે ટેનીસ કોર્ટ તૈયાર કરાવ્યા હતા. જૂનાગઢમાં પ્રેક્ટિસ માટે છોકરીઓ મળતી ન હતી ત્યારે તેને છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરાવી હતી. જેનાથી તેની રમત અને એનર્જી બન્નેનું સ્તર સુધર્યું. આ દરમિયાન જેન્સી માટે અમદાવાદ અને કોલકાતાથી પણ વિશેષ કોચને બોલાવ્યા હતા. હાલ જેન્સી દરરોજ સવારે 7થી 10 અને 4થી 8 એમ સાત કલાક પ્રેક્ટિસ કરે છે. તેને ફૂડ-ન્યુટ્રીશન અને ડાયેટ પ્લાન પણ તેની જરૂરીયાત મુજબ આપવામાં આવે છે.

9મા ધોરણમાં ભણતી જેન્સીનું સપનું જુનીયર ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ, બાદમાં વૂમન્સ ગ્રાન્ડ સ્લેમ અને છેલ્લે ઓલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય છે. જેન્સીની રોલ મોડેલ ખેલાડી પણ સ્ટેફીગ્રાફ છે અને પુરુષમાં નોવાક યોકોવિચ તેનો આદર્શ છે. જેન્સીએ પોતાના પ્રથમ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે ટેનીસમાં મારે હજુ ભારતને ઘણુ આપવાનું બાકી છે.હવે આગામી મહિને શરૂ થતી ફ્રેન્ચ ઓપન જીતવાનો લક્ષ્ય છે. આ સાથે ભારતને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ચારેય ગ્રાન્ડસ્લેમ ટેનીસ ટુર્નામેન્ટ જીતાડવાનું પણ સપનું છે.

જેન્સીએ ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને ભારત તેમજ ગુજરાતનો ડંકો વિશ્વમાં ગુંજતો કર્યો છે. આ પહેલા પણ તેણે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ઉપરાંત કમ્બોડીયા, મલેશીયા જેવા દેશોમાં પણ જીત મેળવી છે. આ સિધ્ધિ બદલ કેન્દ્રના રમતગમત મંત્રી મનસુખ માંડવીયા તેમજ રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જેન્સી અને કાનાબાર પરિવારને અભિનંદન આપી આગળ વધવા માટે જરૂરી તમામ સુવિધા પુરી પાડવા ખાતરી આપી હતી.

 

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક