• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

પોલીસની પરીક્ષામાં પાસ, જિંદગીની દોડમાં હારી ગયો

પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ઉતિર્ણ થયા બાદ કોડિનારના યુવાનનું હૃદય થંભી ગયું

(ફૂલછાબ ન્યુઝ)

ગોંડલ, તા.2 : ગોંડલનાં એસઆરપી ગ્રાઉન્ડમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન અત્યંત કરુણ ઘટના બની હતી. ગિર સોમનાથ જિલ્લાના કોડિનારના વડનગર ગામના 27 વર્ષીય યુવાન નીતિન ચૌહાણ નામના બીએસસી અને એમએસસી કરેલા યુવાનનું દોડ પૂર્ણ કર્યા બાદ હાર્ટએટેક આવવાથી મૃત્યુ નીપજ્યું હતું.

મૃતક નીતિન ચૌહાણ છેલ્લા ત્રણ વર્ષથી પોલીસમાં ભરતી થવાનું સપનું સેવી રહ્યા હતા અને તેના માટે સખત મહેનત કરી રહ્યા હતા. સવારે ગોંડલના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે તેઓ શારીરિક કસોટી માટે હાજર રહ્યા હતા. 5 કિ.મી.ની દોડ 25 મિનિટના બદલે 23 મિનિટમાં પૂર્ણ કરી પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા સ્થળ પરથી બહાર નીકળી મિત્રના રૂમ તરફ જતી વખતે અચાનક તેમના છાતીમાં અસહ્ય દુખાવો ઉપડયો હતો. તેમની સાથે આવેલા અન્ય 6-7 મિત્ર તત્કાલ તેમને બાઈક પર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાની જાણ થતા જ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટ  માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવાનના પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નીતિન બે ભાઈઓમાં નાનો હતો. હજુ એક વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા, ત્યાં જ આ વજ્રઘાત થયો છે. બનાવનાં પગલે પરિવાર શોકમગ્ન બન્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક