• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

મહાશિવરાત્રી મેળામાં 28 હંગામી દવાખાના ઊભા કરાશે

210 આરોગ્યકર્મી સેવારત રહેશે, નાકોડા ખાતે ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ રહેશે

(ફૂલછાબ ન્યુઝ)

જૂનાગઢ, તા. 5 : આગામી મહાશિવરાત્રી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓના આરોગ્યની જાળવણી માટે જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા 28 જેટલા કામચલાઉ દવાખાનાઓ 24#7 કાર્યરત કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મેળા વિસ્તારમાં કુલ 7 મેડિકલ દવાખાના (જેમાં 1 આઈ.સી.યુ. યુનિટ સામેલ છે) અને 21 પેરા-મેડિકલ દવાખાનાઓ ઊભા કરવામાં આવનાર છે. જેમાં જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સામે રોડ પર રેસ્ટ હાઉસ, પ્રેરણા ધામ, અંબાજી મંદિર(ગિરનાર), જૈન દેરાસર (ગિરનાર), પ્રકૃતિ ધામ, કંટ્રોલરૂમ સામે ભવનાથ, નાકોડા દવાખાનુ (આઇસીયુ), ગિરનાર દરવાજા, ભરડાવાવ, સ્મશાન ત્રણ રસ્તા, પાજનાકા પુલ પાસે, ખાખચોક સામે, નારાયણ ધરા તરફ જતા રોડના નાકા પાસે, રૂપાયતન ત્રણ રસ્તા સર્કલ, ભગીરથ વાડીની જગ્યા પાસે, રિંગ રોડ સીતારામ મંદિર પાસે વડલા નીચે, મંગલનાથ બાપુની જગ્યાની પાછળના ભાગે ફોરેસ્ટ દીવાલ પાસે, ગિરનાર સીડી ગેટના ગ્રાઉન્ડમાં, મજેવડી દરવાજા, એસટી બસ સ્ટેન્ડ અંદરના ભાગે અને રેલવે સ્ટેશનમાં કાર્યરત રહેશે. ગિરનાર સીડી ગેટ, ભવનાથ, અને અંબાજી મંદિર જેવાં મહત્ત્વનાં સ્થળ સહિત કુલ 28 પોઇન્ટ્સ પર શ્રદ્ધાળુઓને તાત્કાલિક સારવાર મળી રહેશે. ખાસ કરીને નાકોડા દવાખાના ખાતે આઇ.સી.યુ.ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

શિવરાત્રી મેળાની વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે આરોગ્ય વિભાગના 210 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવશે. આ ઉપરાંત, દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે 13  એમ્બ્યુલન્સ અને 6 ‘108’ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મેળાના વિવિધ રૂટ પર તૈનાત રાખવામાં આવનાર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક