• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

નર્સીંગ કોલેજમાં પ્રવેશના બહાને ગીર સોમનાથના 70 વિદ્યાર્થીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી

વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા અને અસલ દસ્તાવેજો લઈ ભવિષ્ય અંધકારમાં ધકેલનાર આરોપી ઝડપાયો

વેરાવળ, તા. 4 : ગીર સોમનાથમાંથી શિક્ષણના નામે યુવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ છેતરાપિંડી આચર્યાનો ચેંકાવનારો કિસ્સો સામે આવતા ત્વરીત એકશનમાં આવીને જીલ્લા પોલીસે કૌભાંડ આચરનાર લેભાગુ તત્વ સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં અત્રેના 60 થી 70 વિદ્યાર્થીઓને બેંગ્લોર (કર્ણાટક) ખાતેની નર્સિંગ કોલેજમાં જી.એન.એમ. કોર્સમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા તથા અસલ દસ્તાવેજો મેળવી પરત ન આપનાર આરોપીને વેરાવળ પોલીસે ઝડપી લીધો છે.

 જેમાં ભાવિક વિનોદભાઇ બોરખતરીયાએ કરેલી ફરિયાદ મુજબ જયસુખગીરી જસમતગીરી અપારનાથીએ વિદ્યાર્થીઓને પૂરો વિશ્વાસ અને ભરોસો આપીને બેંગ્લોર ખાતે નર્સિંગના જી.એન.એમ. કોર્સમાં એડમિશન અપાવવાનું કહી તેમની પાસેથી અસલ માર્કશીટ, સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો તથા મોટી રકમ લીધી હતી. બાદમાં ન તો એડમિશન અપાયું, ન પરીક્ષા અપાવવામાં આવી અને આજદિન સુધી રૂપિયા કે અસલ દસ્તાવેજો પરત આપવામાં આવ્યા ન હતા.

 આ વિગતો સાંભળીને ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીએ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ આરોપી જયસુખગીરીને તાત્કાલિક ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી કોર્ટમાંથી રીમાન્ડ મેળવી તપાસને ગતિ આપી છે. આ સાથે છેતરાપિંડીનો ભોગ બનેલા અન્ય વિદ્યાર્થીઓની વિગતો એકત્ર કરી તેમના અસલ દસ્તાવેજો રિકવર કરવા તેમજ આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલું છે કે કેમ તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

ગીર સોમનાથ પોલીસની આ કાર્યવાહીથી શિક્ષણના નામે છેતરાપિંડી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને પીઆઈ જે.એન. ગઢવીએ અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના એડમિશન માટે બિનઅધિકૃત દલાલો કે અજાણ્યા ઇસમોના ભરોસે ન રહે અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

ઇ-પેપરના નવા શુલ્ક