સાઉથ
કોરિયાની ‘બ્લેક ઈગલ્સ’ ટીમના 9 ફાઈટર જેટ અને 1 ટ્રાન્સપોર્ટ વિમાને સાઉદી અરેબિયા
જતા જામનગરમાં ટ્રાન્ઝિટ હોલ્ટ લીધો
જામનગ,
તા.4: દક્ષિણ કોરિયાની એરફોર્સની પ્રખ્યાત એરોબેટિક ટીમ બ્લેક ઇગલ્સના નવ વિમાનો જામનગર
એરપોર્ટ પર ઉતર્યા હતા. સાઉથ કોરિયાની ‘બ્લેક ઈગલ્સ’ ટીમના 9 ફાઈટર જેટ અને 1 ટ્રાન્સપોર્ટ
વિમાને સાઉદી અરેબિયા જતા રસ્તામાં જામનગર એરફોર્સ સ્ટેશન પર વિસામો લીધો હતો. 31 જાન્યુઆરીથી
1 ફેબ્રુઆરી દરમિયાન રોકાયેલા આ કાફલાને ભારતીય વાયુસેનાએ ફ્યુલ અને ટેકનિકલ મદદ પૂરી
પાડી હતી. આ કાફલાએ આરામ અને ઈંધણ ભરવા માટે જામનગરમાં ટ્રાન્ઝિટ હોલ્ટ (વચગાળાનો વિરામ)
લીધો હતો.
દક્ષિણ
કોરિયન એરફોર્સના જવાનો સહિતની આ ટીમ રવિવારે સવારે નાગપુર પહોંચી હતી. નાગપુરથી ઉડયા
બાદ આ ટીમ જામનગર ખાતે આવી પહોંચી હતી. ભારતીય વાયુસેનાએ આ ટીમને ઉતરાણ, ટેકનિકલ સુવિધાઓ,
કસ્ટમ્સ અને ઈમિગ્રેશન માટે સંપૂર્ણ સહયોગ પૂરો પાડયો હતો. આ વિમાનો લાંબા અંતર સુધી
સતત ઉડી શકતા ન હોવાથી, રસ્તામાં અલગ-અલગ એરપોર્ટ પર રોકાણ કરે છે. અહેવાલો મુજબ, આ
કાફલાએ જાપાનમાં પણ ઈંધણ ભરવા માટે વિરામ લીધો હતો. જાપાનમાં બ્લેક ઈગલ્સને રિફ્યાલિંગ
સપોર્ટ મળ્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે, જે બન્ને દેશો વચ્ચેના સુધરતા સંબંધોનો
સંકેત આપે છે. નોંધનીય છે કે, ગયા વર્ષે જાપાન દ્વારા રિફ્યાલિંગની મનાઈ કરવાને કારણે
આ ટીમ દુબઈ એર શોમાં ભાગ લઈ શકી ન હતી.