• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

અમદાવાદ : કૌટુંબિક ઝઘડામાં જમાઈએ સસરાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી

અમદાવાદ,તા.15:  અમદાવાદમાં નારોલ વિસ્તારમાં ગત મોડી રાત્રે જમાઈએ સસરાની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી હોવાની ઘટના બની છે. યુવકની પત્ની અઠવાડિયાથી વધુ સમયથી પિયરમાં ગઈ હોય અને પરત નહીં આવી હોવાથી યુવક પત્નીને લેવા ગયો હતો. આ દરમિયાન બોલાચાલી થતા જમાઈ ઇબ્રાહિમ મન્સુરીએ બે શખ્સ સાથે મળીને સસરા અઝીઝભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, નારોલમાં બાગે કૈશર સોસાયટી નજીક લાંબા સમયથી ચાલી રહેલા કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્નીને પિયરમાં તેડવા ગયેલા જમાઈ ઇબ્રાહિમ મન્સુરીને કોઈ કારણસર સસરા અઝીઝભાઈ સાથે તકરાર થઈ હતી. ત્યારે ઈબ્રાહિમ ત્યાંથી જતો રહ્યો હતો અને બાદમાં તેના ભાઈ મુસ્તફાએ અને માતા સાથે આવ્યો હતો. મુસ્તફાએ અઝીઝભાઈને પકડી રાખ્યા હતા અને ઉશ્કેરાયેલા જમાઈએ સસરા પર તીક્ષ્ણ હથિયારથી ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલાને પગલે અઝીઝભાઈને ખુબ લોહી વહી જતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા નારોલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી કરી હતી. જમાઈએ ક્યા કારણસર હ્નમલો કર્યો તે ચોક્કસ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી. નારોલ પોલીસે ગુનો નોંધીને અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક