• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

માર્ચ મહિનો બેવડી ઋતુનો અનુભવ કરાવશે, તાપ સાથે માવઠાનું પણ સંકટ

22 ફેબ્રુઆરી બાદ વાતાવરણ પલટાશે : સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.14 : ગુજરાતમાં 22 ફેબ્રુઆરી બાદ પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણ પલટાશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. માર્ચ મહિનામાં પણ માવઠાનું સંકટ રહેશે, જેની સાથે જ આકરી ગરમીની શરૂઆત થશે. એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ માર્ચ મહિનાથી જ રાજ્યમાં ગરમીનો પારો પણ આસમાને પહોંચશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડીનું જોર ઘટશે અને માર્ચની શરૂઆતથી જ આકરો ઉનાળો અનુભવાશે. આ વર્ષે માર્ચ મહિનો બેવડી ઋતુનો અનુભવ કરાવશે, જે સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

હવામાન નિષ્ણાતોએ ફરી એકવાર ગુજરાતના હવામાનને લઈને ચિંતાજનક આગાહી કરી છે. જેમાં 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરી શક્યતા છે. ઉત્તર ભારતમાં સક્રિય થનારા પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ ફેરફારને કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

એક અનુમાન મુજબ આ કમોસમી વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર- કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ખાસ કરીને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જેવા જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામી શકે છે. માર્ચની શરૂઆતમાં પણ વાતાવરણ અસ્થિર રહેશે અને કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. હોળીના તહેવારની આસપાસ પણ પવનના જોર સાથે વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. વારંવાર બદલાતા આ હવામાનને કારણે જીરું, ઘઉં અને કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક