• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

જસદણના શિવરાજપુરમાં મોડી રાત્રે પિતા-પુત્ર પર હુમલો, પિતાનું મૃત્યુ રસ્તામાં ગાડી ઉભી નહી રાખવા બાબતે માથાકૂટ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.14 : જસદણના શિવરાજપુર ગામે મોડી રાતના ખુની ખેલ ખેલાયો હતો. રસ્તામાં ગાડી ઉભી રાખવા મામલે પિતાની કરપીણ હત્યા કરી પુત્ર પર પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતાં પોલીસે પાંચ શખ્સો સામે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ આદરી હતી.

બનાવ અંગે હાલ રાજકોટના ત્રંબા ગામે રામદેવપીરની મંદિરની પાછળ શ્રીરામ પાર્કમાં રહેતાં મૂળ ખાંડા હડમતીયા ગામના વતની શૈલેષભાઈ છગનભાઈ ઝાપડીયા (ઉ.વ.30) એ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે સંજય નારણ મુંધવા, વિરમ રઘુ મુંધવા, વજા રઘુ મુંધવા,  નારણ રાજા મુંધવા અને સાગર નથુ મુંધવાનું નામ આપતાં જસદણ પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઈ તા.12 ના તેનો ભાઈ નિલેષ અને ગામના બાબુભાઈ છેલ્લુભાઈ ઝાપડીયા બન્ને સાંજના નવેક વાગે બુલેટ લઈને જતા હતા. દરમ્યાન સંબંધી ભાવેશભાઈ ઝાપડીયા રોડ ઉપર કાર લઈને સામા મળતા તેની ગાડી ઉભી રાખતા પાછળ એક છકડો રિક્ષા આવીને ઉભી રહી હતી.જે રિક્ષા શિવરાજપુર ગામના સંજય મુંધવા ચલાવતો હોય જેને નિલેષભાઈ તથા સાથેના બાબુભાઇને મોટેથી બુમ પાડી રસ્તામાં ગાડી ઉભી નહી રાખવા બાબતે સંજય ગાળો બોલવા લાગ્યો જેથી ભાઈ તથા ભાબુભાઈ ત્યાંથી જતા રહ્યા હતા. ગઈકાલે ફરીયાદીનાં પિતાના ફોનમાં શિવરાજપુર ગામના વિરમ મુંધવાનો ફોન આવેલો  કે, કાલે રાત્રીના તમારા દિકરાએ મારા કાકાના દિકરાને રસ્તામાં રોડ ઉપર કેમ ઉભો રાખેલો તેવુ કહી અપશબ્દો બોલી ધમકી આપેલી જેથી પિતાએ  ત્રણેય ભાઇઓને કહેલુ કે, આપણે શીવરાજપુર ગામે સમાધાન માટે જવુ છે, જેથી બન્ને ભાઇઓ રાજકોટથી હડમતીયા ગામે આવેલા બાદ પિતા તથા બન્ને ભાઈઓ સાથે શીવરાજપુર ગામે કાળીકશ ખાતે મામાના ઘરે આવેલા અને પિતાએ વિરમ સાથે ફોનમાં સમાધાન બાબતે મામા સાથે વાત કરેલી પરંતુ વિરમ ફોનમાં ગાળાગાળી કરી તમને બધાને જોઇ લઇશ તેવી ધમકી આપતો હોય મામાના ઘરેથી થોડે દુર રોડ ઉપર ઉભા હતા તે દરમ્યાન એક છોટા હાથી જેવુ વાહન ફુલ સ્પીડે જસદણ બાજુથી આવ્યું અને  બધા ઉભા હતા ત્યાં તેઓની ઉપર મારી નાખવાના ઇરાદે ઉપર ચડાવી દીધેલુ હતું.

જેથી બધા બચવા માટે રોડની સાઇડમાં દોડીને જતા રહ્યા હતા જે વાહન શીવરાજપુર ગામનો સંજય મુંધવા ચલાવતો હતો જેથી તેની પાછળ દોડતા તે વાહન લઇને ત્યાંથી નાશી ગયેલો તે દરમ્યાન વજા મુંધવા હાથમાં છરી લઈને દોડતો આવી મારા પિતા પર છરી વડે હુમલો કરી પેટમાં તેમજ છાતીના ભાગે છરીના ઘા મારતો હતો. જેથી  નાનો ભાઈ નિલેષ પિતાને બચાવવા માટે વચ્ચે પડતા આ વજા મુંધવાએ તેને પણ પડખામાં છરીનો ઘા મારી દીધો હતો. જે દરમ્યાન તેની સાથે નારણ  મુંધવા તથા સાગર મુંધવા બન્ને હાથમાં કુહાડી લઇ ઘસી આવી ફરીયાદી અને તેના ભાઈને ઘા ઝીંકી દેતાં હાથ તથા ખંભાના ભાગે લાગી હતી.

જે દરમ્યાન દેકારો થતા આરોપીઓ ત્યાંથી નાશી છુટયા હતા. જે દરમ્યાન ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જસદણ સરકારી હોસ્પીટલે લાવેલા જયા તબીબે  પિતાને છરીના ઘા થી મોત થયેલાનુ જણાવેલુ તથા નાના ભાઈ નિલેષને છરીના ઘા થી ગંભીર ઈજા થયેલી હોય પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ મોકલી આપ્યો હતો.બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મંત્રી કુંવરજીભાઇ બાવળિયા હોસ્પિટલ દોડી આવ્યા

ઘટના બાદ પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સમાજના આગેવાનો સહિતના ટોળેટોળા જસદણ સિવિલ હોસ્પિટલ એકઠા થઇ ગયા હતા. જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરિસ્થિતિ પારખીને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા જસદણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારને સાંત્વના આપી ન્યાયની ખાતરી આપી હતી. જેથી પરિવારજનોએ લાશ સ્વીકારી લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક