સમુદ્ર કાંઠે 3 હજાર પરિવારોએ સામૂહિક પૂજન કર્યુ
મંદિર બહાર હર હર મહાદેવ... જય
સોમનાથના નાદથી વાતાવરણ શિવમય બન્યું
વેરાવળ, તા.15 : પ્રથમ જ્યોતિર્લિંગના
સાંનિધ્યમાં સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવી મહાશિવરાત્રીએ ધન્યતા પ્રાપ્ત કરવા લાખો શિવભક્તો
યાત્રાધામ સોમનાથમાં ઉમટી પડયા હતા. આજે સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા ત્યારે
અગાઉથી કતારબંધ લાઈનમાં ઉભેલા શિવભક્તોના હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ ગુંજી ઉઠતા
વાતાવરણ શિવમય બની ગયુ હતુ. આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 3000થી વધુ ભક્તોને પરિવાર સાથે
મારૂતિ બીચ ખાતે પંચમહાભૂતનો અનુભવ કરાવતી પાર્થેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. સાંજ
સુધીમાં એકાદ લાખ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. સોમનાથમાં
ઉમટેલા લાખો ભાવિકો માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા ચારથી વધુ નિ:શુલ્ક ફળાહારના ભંડારા
યોજાયા હતા.
આજે દિવસભર સોમનાથ પહોંચવાના
તમામ માર્ગો ઉપર ભાવિકો સોમનાથ તરફ પ્રયાણ કરતા જોવા મળતા હતા. આજે સવારે સોમનાથ ટ્રસ્ટ
વતી સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ સહિતના દ્વારા પાલખી પૂજન અને ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રી
ઉત્સવનો પ્રારંભ કરાવાયો હતો. આજે પાવન દિવસે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમનાથ
પહોચી મંદિરે જઈ મહાદેવને શીશ ઝૂકાવી સોમેશ્વર મહાપૂજા કરી કરી હતી.
સવારે 6:30 વાગ્યે પ્રાત: આરતી
મહાપૂજા, બપોરે 12 વાગ્યે મધ્યાહન મહાપૂજા-આરતી અને સાંજે 7 વાગ્યે સંયન આરતી સમયે
મહાદેવને પાઘડી, રંગબેરંગી પુષ્પોનો અલૌકીક શણગાર કરવામાં આવ્યો હતો. સવારે નવ વાગ્યે
સોમનાથ મહાદેવના પ્રતિકરૂપ મુખારાવિંદને પાલખીમાં બિરાજમાન કરી ભવ્ય પાલખીયાત્રા કાઢવામાં
આવી હતી. આ યાત્રા મંદિર પરિસરમાં ફરી ત્યારે બમ બમ ભોલે...હર હર મહાદેવના નાદ સાથે
હજારો ભાવિકો આસ્થાભેર જોડાયા હતા. સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ સોમનાથ યજ્ઞશાળામાં
હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં આહુતિ આપી ભારત દેશ અને દેશવાસીઓની શાંતિ સુખાકારી અને વિકાસની
પ્રાર્થના કરી હતી.
આજે સોમનાથ દાદાની વિશેષ 108
સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી. આ સાથે ભાવિકોએ મહાદેવને 68 ધ્વજા ચડાવી હતી. શિવજીને
અત્યંત પ્રિય રુદ્રાષ્ટાધ્યાય એટલે કે રુદ્રાભિષેકના 2077 પાઠ કરવામાં આવ્યા હતા. ઉપરાંત
કુલ પાઠાત્મક 101 લઘુરુદ્ર યજ્ઞ અને 9 પાઠાત્મક મહારુદ્ર પણ સંપન્ન થયા હતા. આ સાથે
52 ભાવિકોએ મહાપૂજા સામગ્રી અર્પણ કરી હતી. મહામૃત્યુંજય મંત્રજાપ 871 સહિતની સેવા
પૂજાઓ કરી ધન્યતા અનુભવી હતી.