• બુધવાર, 13 મે, 2026

આજથી આકાશમાંથી થશે અગનવર્ષા 12 જિલ્લામાં ગરમીનું એલર્ટ જાહેર

તાપમાનમાં થશે 3 ડિગ્રી વધારો, રાજ્યમાં 15 મે સુધી હીટવેવની આગાહી, પારો 44 ડિગ્રીને પાર કરશે

 (અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.9  :  માવઠાની વિદાય બાદ હવે ગુજરાતમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 15મે સુધી રાજ્યમાં આકરા હીટવેવની આગાહી કરી છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાનમાં સર્જાયેલી વિશેષ સિસ્ટમને કારણે તાપમાનમાં હજુ પણ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેમાં તાપમાનનો પારો 41થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આવતીકાલથી અમદાવાદ સહિતના 12 જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં 6 દિવસ માટે ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 હાલમાં નોર્થ-ઈસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમને કારણે ગરમ પવનો સીધા ગુજરાત તરફ ફંટાઈ રહ્યા છે અને આ ભૌગોલિક ફેરફારને લીધે જ આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રીનો વધારો થશે. રાજ્યમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી નોંધાઈ ચૂકી છે, જ્યારે અમદાવાદમાં 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.

બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોની ઝડપ 15 થી 20 નોટ્સ જેટલી રહેશે અને કેટલાક વિસ્તારોમાં તે વધીને 25 નોટ્સ સુધી પણ પહોંચી શકે છે. ટૂંકમાં, આગામી 6થી 7 દિવસ ગુજરાતવાસીઓએ આકરા તાપ અને લૂનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે.

આજે ભાવનગરમાં 40.8 ડિગ્રી, અને જૂનાગઢમાં રેકોર્ડબ્રેક 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જૂનાગઢમાં તાપમાનમાં ર4 કલાકમા 1.6 ટકાનો વધારો નોંધાયો છે.

આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના

અનેક જિલ્લામાં યલો એલર્ટ

            હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે એટલે કે 10 મેના રોજ કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, સુરત અને વડોદરા દીવમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રીજનમાં 15 મે સુધી ગરમીનો આ પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા છે.

           

           

 

ઇ-પેપરના નવા શુલ્ક