• બુધવાર, 13 મે, 2026

મોરબી વોર્ડ નંબર 3માં પાણી પ્રશ્ને રાજકીય તણાવ : કોંગ્રેસના આક્ષેપ, ભાજપે નકાર્યા

‘ચૂંટણીમાં ભાજપ વિરોધી કામ કર્યું હોવાથી પાણી આપવાનું નથી’ જેવી વાતો કરવામાં આવી હોવાના આક્ષેપ

 

મોરબી, તા.10 : શહેરના વોર્ડ નંબર 3માં પીવાનાં પાણીની સમસ્યા મુદ્દે રાજકીય તણાવ ઉભો થયો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, નવા ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોએ પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા આવેલા સ્થાનિક આગેવાન સાથે અશોભનીય વર્તન કર્યું અને તેમને વોટ્સએપ ગ્રુપમાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા. આ મામલે સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે અને પાણી જેવી મૂળભૂત સુવિધા મુદ્દે રાજકીય આરોપ-પ્રત્યારોપને કારણે સ્થિતિ ગરમાઈ રહી છે.

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મુકેશ ગામીએ જણાવ્યું છે કે, મહેન્દ્રનગર વિસ્તારમાં ઉનાળાની સ્થિતિમાં પીવાનું પાણી પૂરતું ન મળતું હોવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં રજૂઆત કરનાર વ્યક્તિને અપમાનિત કરવામાં આવ્યા અને ‘ચૂંટણીમાં ભાજપ વિરોધી કામ કર્યું હોવાથી પાણી આપવાનું નથી’ જેવી વાતો કરવામાં આવી હોવાના આક્ષેપ પણ તેમણે કર્યા છે. હજુ મહાનગરપાલિકાનું પૂર્ણ શાસન પણ શરૂ થયું નથી ત્યાં જ આવા વર્તનથી આગામી પાંચ વર્ષ અંગે પ્રશ્નો ઉભા થાય છે.

બીજી તરફ, વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર જિજ્ઞેશ કૈલાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢીને કહ્યું છે કે, પાણી વિતરણની વ્યવસ્થા મુજબ તમામ નાગરિકોને સમાન રીતે પાણી પુરવઠો આપવામાં આવે છે અને કોઈ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી. કોંગ્રેસ દ્વારા અનાવશ્યક વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. ભાજપનાં શાસનમાં તમામ લોકોને સમાન સુવિધાઓ, ખાસ કરીને પાણી પુરવઠો, સુનિશ્ચિત કરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક