• બુધવાર, 13 મે, 2026

તારાપુર નજીક ટ્રક પાછળ ટેમ્પો અથડાતા 4ના મૃત્યુ શ્રમિકો મજૂરી માટે જતા હતા ત્યારે બન્યા અકસ્માતનો ભોગ

વડોદરા, તા.11: આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં સોમવાર સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. તારાપુરના ફતેપુરા નજીક આવેલા સી.એન.જી. ગેસ સ્ટેશન પાસે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલો ટેમ્પો ધડાકાભેર અથડાતા ઘટનાસ્થળે જ ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હતા.

તાલાપુરના ફતેપુરા નજીક બનેલી ભયાનક અકસ્માતની ઘટનામાં બે મહિલા, એક પુરુષ તેમજ એક પાંચ વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. ઉપરાંત અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે તારાપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ મૃતકો અને ઇજાગ્રસ્તો દાહોદ તરફના શ્રમિકો હોવાનું સામે આવ્યું છે. તેઓ મજૂરી કામ માટે જઈ રહ્યા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યા હતા.

ટક્કર એટલી પ્રચંડ હતી કે, ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ફતેપુરા નજીકનો આ વિસ્તારમાં વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. તેમ છતાં હાઈવે ઓથોરિટી દ્વારા આજદિન સુધી કોઈ અકસ્માત ઝોનનું ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યું નથી. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાની જાણ થતા તારાપુર પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક