• બુધવાર, 13 મે, 2026

અંગ દઝાડતી ગરમી : સુરેન્દ્રનગર 45 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હીટવેવની અસર; સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના 7 શહેરમાં પારો 43 ડિગ્રીને પાર; બપોરના સમયે રસ્તાઓ સુમસામ

 

રાજકોટ તા.10: સમગ્ર ગુજરાતમાં હાલ ઉનાળો આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. આકાશમાંથી વરસી રહેલી અગનજ્વાળાઓને કારણે જનજીવન તોબા પોકારી ઉઠ્યું છે. આજે રાજ્યના હવામાનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના શહેરોમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. આજે સુરેન્દ્રનગરમાં પારો 45 ડિગ્રીએ પહોંચી જતા રાજયનું સૌથી ગરમ શહેર રહયું હતું. તો રાજકોટમાં પણ પારો 45 ડિગ્રીની નજીક 44.3 ડિગ્રી નોંધાયો છે. માત્ર રાજકોટ જ નહીં, પરંતુ અમરેલીમાં 44.1 અને જુનાગઢમાં 43.4 ડિગ્રી સુધી પારો પહોંચતા લોકો હીટવેવનો સામનો કરી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં વડોદરા (બરોડા) 43.6 ડિગ્રી સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. અમદાવાદ અને કચ્છના ભુજમાં પણ તાપમાન 43.3 ડિગ્રી નોંધાતા બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો.

આગામી ચારથી પાચ દિવસ રાજ્યમાં આ જ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગઇકાલે ગરમીનો પારો ઉંચો રહ્યો હતો. આજે પણ સવારથી આભમાંથી અગનગોળા વરસતા હોય તેવો આકરો તાપ અનુભવાયો હતો ત્યારે હવામાન વિભાગે આજે બનાસકાંઠા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. તેમજ 11થી 14મે દરમિયાન અમદાવાદ, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં હીટવેવ રહી શકે છે.

11 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદાર, સુરત, બોટાદ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હીટવેવને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરાયું છે.  

12 મેના રોજ દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, રાજકોટ, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

13 મેના રોજ આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં હીટવેવની સંભાવનાને ધ્યાને લઇ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.   

14 મેના રોજ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં હીટવેવની શક્યતા છે. જેના પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે.

 

બોકસ .  . .

શહેર      તાપમાન

સુરેન્દ્રનગર          45

રાજકોટ  44.3

અમરેલી 44.1

બરોડા 43.6

જુનાગઢ 43.4

અમદાવાદ           43.3

ભુજ      43.3

ગાંધીનગર           42.9

ડીસા      42.6

સુરત      41.7

ભાવનગર            41.2

પોરબંદર 39.3

કંડલા     39.0

દમણ     38.0

દીવ       37.0

વેરાવળ  36.5

ઓખા    35.0

 

ઇ-પેપરના નવા શુલ્ક