ધ્વજારોહણના રૂ. 600થી વધારે રૂ. 2500 કરાયા હતા
યાત્રાધામ
ડાકોર રણછોડરાયજી મંદિરમાં ઠાકોરજીને ભોગ, ધજા સહિતનાં વિવિધ મનોરથમાં બમણો વધારો ઝીંકાયો
હતો
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.10: યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ધ્વજારોહણ અને વિવિધ મનોરથોના દરોમાં
કરાયેલા ભાવ વધારા મુદ્દે ઉભા થયેલા વિવાદ બાદ મંદિર કમિટીએ મહત્ત્વનો નિર્ણય લીધો
છે. આ મામલે ભક્તો અને સેવકોમાં ઉઠેલા ભારે રોષને ધ્યાનમાં રાખીને કમિટીએ હાલ પૂરતા
વધારેલા દરોનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
તાજેતરમાં
મંદિર કમિટીએ શિખર પર ચડાવવામાં આવતી ધ્વજાના દરમાં મોટો વધારો કર્યો હતો. અગાઉ
600 રૂપિયામાં ધ્વાજારોહણ થતું જેનો દર વધારીને 2500 રૂપિયા કરાયો હતો. આ ઉપરાંત કેટલાક
મનોરથોના દરોમાં પણ વધારો કરાતા ભક્તોમાં અસંતોષ ફેલાયો હતો. આ ઉપરાંત રાજભોગ, કુંજ
ભોગ સહિતના રણછોડરાયજીના ભોગમાં પણ તાતિંગ વધારો ઝીંકાયો હતો. તુલસી વિવાહનો દર અગાઉ
25,000 રૂપિયા હતો તે વધારીને એક ઝાટકે 51,000 કરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો
હતો. આખરે ટેમ્પલ કમિટીને ભક્તોના રોષ સામે ઝૂકવું પડ્યું છે અને હાલ તાત્કાલિક અસરથી
નવા દરોનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
કમિટીના
આ નિર્ણયથી ભક્તોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોએ આશા વ્યક્ત કરી છે કે
આવનારા સમયમાં આવા મહત્ત્વના નિર્ણયો લેતા પહેલાં ભક્તોની ભાવનાઓ અને પરંપરાઓનું પણ
ધ્યાન રાખવામાં આવશે. આ અસર ભક્ત ભક્તો માટે પ્રોત્સાહ રહેશે તેવું નથી પરંતુ મંદિર
સાથે જોડાયેલા સેવક સમાજ પર પણપડશે. સેવક સમાજના આગેવાનો દ્વારા શ્રદ્ધાળુઓ હિતમાં
મનોરથોના દરમાં વધારો માકૂફ રાખવામાં આવે અને મંદિરની ગરીમા જાળવી રાખવા લેખિતમાં રજૂઆત
કરવામાં આવી હતી. આગામી તારીખ 15મી મેના રોજ સેવક આગેવાનો સાથે ચર્ચા કરાયા બાદ આગળનો
નિર્ણય લેવાશે.