(ફૂલછાબ ન્યુઝ)
જૂનાગઢ,
તા.24: મેંદરડા તાલુકાના ડેડકિયાળી ગામે ગત મોડી સાંજે દીપડાએ છ વર્ષની માસુમ બાળાને
ઉપાડી જંગલ વિસ્તારમાં ઢસડી ફાડી ખાતા ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠ્યો હતો. અને આ માનવભક્ષી
દીપડાને પિંજરે પુરવા માગણી ઉઠી હતી. જ્યાં સુધી આ દીપડો પિંજરે ન પૂરાય ત્યાં સુધી
મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને ઠેર ઠેર પિંજરા ગોઠવી
માનવ ભક્ષી દીપડાને પિંજરે પુરવા કવાયત હાથ ધરી છે.
આ બનાવની
વિગત પ્રમાણે ડેડકિયાળી ગામે રહેતા અશોકભાઈ સોલંકીની પુત્રી પ્રિસા ઉંમર 6 પોતાના ઘરના
આંગણામાં સાંજે રમી રહી હતી. ત્યારે એકાએક દીપડો આવી ચડી બાળકીને મોઢામાં ઉઠાવી જંગલમાં
ઢસડી ગયો હતો અને ત્યાં ફાડી ખાધી હતી. બાળકીના પરિવાર અને ગ્રામજનોએ શોધખોળ કરતા નજીકના
જંગલમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ અંગે
વનવિભાગને જાણ કરતા આર.એફ.ઓ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને આસપાસ તપાસ કરી હતી. બાળકીના
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેંદરડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનો
અને ગ્રામજનોએ જ્યાં સુધી આ માનવ ભક્ષી દીપડો પિંજરે ન પુરાય ત્યાં સુધી મૃતદેહનો કબજો
સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ગ્રામજનોના આ ઉગ્ર રોષને ધ્યાને લઈ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ
દોડી આવ્યા હતા અને ગ્રામજનોને લેખિત તેમજ મૌખિક ખાતરી આપી હતી અને નિયમ પ્રમાણે બાળકીના
પરિવારને રૂ. દસ લાખની સહાયની પણ જાહેરાત કરી હતી. બાદમાં પરિવારજનોએ બાળકીનો મૃતદેહ
સ્વીકારી લીધો હતો.
છેલ્લા
થોડા સમયથી સિંહો દ્વારા માનવી ઉપર હુમલાના બનાવો બનતા હતા ત્યાં ગઈ સાંજે ડેડકિયાળી
ગામે દીપડાએ બાળકીને ઉઠાવી ફાડી ખાતા વિસ્તારમાં રોષ ભભૂકી ઉઠયો છે અને આવા માનવ ભક્ષી
દીપડાઓને પિંજરે પૂરી આજીવન કેદની સજા કરાય તેવી માગણી ઉઠી છે.