• શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2024

ભાવનગરના ફુલસર ગામે મહિલાની પાઈપના ઘા ઝીંકી હત્યા

પુત્રએ કરેલી ફરિયાદમાં સમાધાન નહી કરતા ચાર શખસ તુટી પડયા : શોધખોળ

ભાવનગર, તા.ર7 : ફુલસર ગામે પુત્રએ કરેલી ફરિયાદનો કેસ કોર્ટમાંથી પરત ખેંચવા અને સમાધાન કરી લેવાના મામલે મહિલાની ચાર શખસોએ પાઈપના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. પોલીસે ચારેય શખસો સામે ગુનો નોંધી ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ફુલસર ગામે રપ વારીયા વિસ્તારમાં બજરંગદાસ બાપાની મઢુલીવાળા ખાંચામાં રહેતા કિશોરભાઈ લખુભાઈ મારુના પુત્ર ગૌતમએ ત્રણ વર્ષ પહેલા આ જ વિસતારમાં રહેતા શૈલેષ ધનજી કોળી અને રોહન શંભુ કોળી વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આ અંગેનો કેસ કોર્ટમાં ચાલતો હતો.

દરમિયાન ગત સાંજે ગૌતમની માતા ગીતાબેન શેરીમાં આવેલ દુકાને પતિ માટે બીડી લેવા ગયા હતા ત્યારે શેલેષ ધનજીકોળી, રોહન શંભુ કોળી અને બે અજાણ્યા શખસો ધસી આવ્યા હતા. કોર્ટ કેસમાં સમાધાન કરી લેવાનું કહી ગીતાબેન સાથે ઝધડો કર્યો હતો અને ચારેય શખસોએ લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો અને દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી નાસી છુટયા હતા અને આ બનાવ અંગેની જાણ થતા ગીતાબેનના પતિ  કિશોરભાઈ અને પુત્રી દોડી ગયા હતા અને તાકીદે ગીતાબેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવ અંગે પોલીસે શૈલેષ કોળી, રોહન કોળી અને બે અજાણ્યા શખસો સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

 

Budget 2024 LIVE