• સોમવાર, 29 એપ્રિલ, 2024

દ્વારકાનાં દરિયામાં હાઇટાઇડ: ગોમતી નદીમાં પાણી વચ્ચે 40 યાત્રાળુ ફસાયા

સુદામા સેતુ બંધ હોવાથી ગોમતી નદીમાં થઈ પંચકૂઈ દર્શને ગયેલા યાત્રિકોને એકાએક દરિયાઈ ભરતી-ઓટ નડયાં

 

સમયસર ફાયર વિભાગની ટીમે પહોંચીને પાણીનાં પ્રવાહ વચ્ચેથી  યાત્રિકોને બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી

 

દ્વારકા, તા. 28 : યાત્રાધામ દ્વારકાનાં દરિયામાં આજે હાઇટાઇડ એટલે કે પ્રચંડ દરિયાઈ ભરતીનાં કારણે એકાએક ગોમતી નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ અને સ્તર વધી જતાં બાળકો સહિતનાં 40 યાત્રાળુ ફસાઈ ગયા હતા. હાલ સુદામા સેતુ બંધ હોવાથી ગોમતી નદીમાં થઈને પંચકૂઈ દર્શને ગયેલા આ યાત્રિકો અચાનક દરિયાઈ ભરતી-ઓટની ઝપટમાં આવી ગયા હતા. જો કે, સમયસર ફાયર વિભાગની ટીમે પહોંચીને પાણીનાં પ્રવાહ વચ્ચેથી તમામ યાત્રિકોને બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી. યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં દર્શન પહેલાં ગોમતી સ્નાનનું અનેરું મહત્ત્વ છે અને ગોમતી નદીના સામે પાર આવેલા પંચકૂઈનાં દર્શન કરવા માટે લોકો જતા હોય છે. ગોમતી નદી પર આવેલો સુદામા સેતુ પાર કરી પંચકૂઈનાં દર્શન કરવા યાત્રિકો જતા હોય છે, પરંતુ મોરબી પુલ દુર્ઘટના બાદ સુદામા સેતુને બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે યાત્રિકો ગોમતી નદી પાર કરી પંચકૂઈનાં દર્શને જતાં હોય છે. એવામાં આજે આશરે 40 લોકો દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા અને ભગવાન દ્વારકાધીશનાં દર્શન કર્યા બાદ તેઓ ગોમતી ઘાટ ખાતે ગયા હતા. જ્યાં પાણી ખૂબ ઓછી માત્રામાં હોવાથી તે લોકો પગપાળા ચાલીને ગોમતી નદીમાં થઈને સામે કાંઠે પંચકૂઈ દર્શન કરવા તથા દરિયાની મોજ માણવા ગયા હતા. આ દરમિયાન દરિયામાં પ્રચંડ ભરતી આવી જતા ગોમતી નદીમાં પણ પાણીની ધસમસતી આવક થવા સાથે પ્રવાહ અને સ્તર પણ વધ્યા હતા. જેની ગંભીરતાનો ખ્યાલ આ લોકોને ન હોવાથી તેઓ ગોમતી નદીમાં થઈને પરત આવવા લાગ્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ વધુ હતો, જેનાં કારણે આ લોકો પાણીમાં ફસાયા હતા અને ડૂબવા લાગ્યા હતા.

આ અંગે જાણ થતાં જ તુરંત ફાયર વિભાગ તથા સ્થાનિક લોકોના સહયોગથી બોટ દ્વારા આ તમામ લોકોને બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે સમયસર બાળકો અને મહિલાઓ સહિતના તમામ 40 જેટલા યાત્રાળુઓને ગોમતી નદીનાં ધસમસતા પાણીમાંથી બહાર કાઢી લેવામાં સફળતા મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દરમિયાન ભારે અફરા-તફરી વચ્ચે સૌકોઈનાં શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. હવે આ ઘટનાને ગંભીરતાથી લઈને વહીવટી તંત્રએ તાકિદે સુદામા સેતુ ફરીથી ચાલુ કરવા લોકમાંગણી ઊઠવા પામી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક