• બુધવાર, 25 જૂન, 2025

સોયલ ટોલનાકા નજીક દારૂ ભરીને આવતી કાર ઝડપાઇ

11 લાખના મુદ્દામાલ સાથે કારચાલક ઝબ્બે : અન્ય બે શખસના નામ ખુલ્યા 

જામનગર, તા. 24 : જામનગર નજીક આવેલા સોયલ ટોલનાકા પાસે એલસીબીએ બાતમીના આધારે એક કારમાં દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ, કાર સહિત કુલ રૂપિયા 11,09,776ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જામનગર એલસીબી ટીમના સુમીત શીયાર, ભરત ડાંગર અને અજય વિરડાને ચોક્કસ બાતમી મળી હતી, કે સફેદ કલરની એક ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે સોયલ ગામ પાસે આવેલા ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન સોમવારે મોડી રાત્રે ત્યાંથી પસાર થઈ રહેલી ક્રેટા કાર પોલીસે અટકાવી હતી. આ કારની તલાસી લેતા અંદરથી રૂ.3,04,776 ની કિંમતની 408 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે ક્રેટા કારના ચાલક અશોક પ્રતાપભાઈ પરમાર (રહે.જામનગરના સ્વામિ નારાયણ નગર) નામના શખસની પોલીસે અટકાયત કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન દારૂનો આ જથ્થો લાવવામાં જામનગરના સાહિલ ફિરોઝભાઈ મોદી તેમજ સદામ સફિયા નામના બે શખસ પણ સંડોવાયેલા હોવાથી તે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. પોલીસે દારૂના જથ્થા સહિત મોબાઇલ, કાર સહિત કુલ રૂપિયા 11,09,776ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક