સુરતમાં સતત બીજા દવિસે પણ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
પુણા
કુંભારિયા પાસે ખાડીમાં ત્રણ યુવક તણાયા, બેનો બચાવ, એકની શોધખોળ
તાપી
જિલ્લામાં ભારે વરસાદને કારણે તકેદારીના ભાગરૂપે
16 રોડ બંધ કરાયા
સુરત,
તા. 24 : છેલ્લા બે દિવસથી મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. આજે વલસાડ, તાપી,
સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં સૌથી વધુ વરસાદ પડતા
દમણગંગા નદી પરના મધુબન ડેમમાં નવા નીરની આવક થતા આઠ દરવાજા બે મીટર જેટલા ખોલી પાણી
છોડવામાં આવ્યુ છે. તથા વલસાડના વાપીમાં સૌથી વધુ વરસાદ પડયો છે. સતત બીજા દિવસે સુરત
જિલ્લામાં મેઘરાજાએ બાટિંગ કરતા અનેક નીચાણ
વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત્ રહેતા સુરત મનપાની પ્રિમોન્સુનની કામગીરી
પર સવાલો ઉઠયા છે.
સુરત
જિલ્લામાં પડેલા જળબંબાકાર વરસાદના કારણે પલસાણા તાલુકાના ગાંગપુર ખાતે હળપતિવાસ, ડેરી
ફળિયા, ગીરનાર ફળિયામાં વરસાદી પાણી ભરાઈ જતા 135 લોકોને સ્થળાંતરિત કરીને પ્રાથમિક
શાળામાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે ધામડોદ ગામે વસાવા ફળીયાની બાજુમાં આવેલી કોતરોને
લીધે પાણી ભરાઈ જતા 14 લોકોને સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પલસાણા
તાલુકાની બલેશ્વર ખાડીમાં પાણી ભરાતા છ ગામોના રસ્તાઓને તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં
આવ્યા છે. ઉપરાંત વહેલી સવારે બારડોલીના બાબેન ગામના હળપતિવાસમાં પાણી ભરાતા જિલ્લા
પંચાયતના માજી પ્રમુખ ભાવેશભાઈ પટેલ તથા તંત્રએ સાથે મળીને હળપતિવાસના 500 વ્યક્તિઓ
માટે ભોજનની વ્યવસ્થા કરીને ઘરે ઘરે ભોજન પહોચાડયું હતું.
સુરત
સિટી વિસ્તારના ખાડી પુરમાં સરથાણા પોલીસ મથક પણ અસર ગ્રસ્ત થયું છે. પોલીસ સ્ટેશનની
અંદર પણ છેલ્લા બે દિવસથી પાણી ભરાયેલા હતા. જેથી સરથાણા પોલીસ મથકના પીઆઈ શાહ અને
સ્ટાફ ડોક્યુમેન્ટ લેવા માટે પહોંચ્યા હતા. ઉપરાંત પુણા-કુંભારિયા વિસ્તારમાં આવેલી
એક ખાડીમાં આજે સવારે ત્રણ યુવક ખાડી પાસે હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધતાં તેઓ
ફસાઈ ગયા હતા. આ પૈકી બે યુવકને ફાયરબ્રિગેડ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને ખાડીમાંથી
સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જોકે 18 વર્ષીય અર્જુન નામનો યુવક હજુ પણ લાપતા
છે અને તેની શોધખોળ ચાલી રહી છે. તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે તકેદારીના
ભાગરૂપે 16 રોડ બંધ કરવામાં આવ્યા છે.
આજે
વહેલી સવારથી મોડી સાંજ સુધી નોંધાયેલા વરસાદી આંકડા મુજબ વલસાડ જિલ્લાના વાપીમાં
154 મીમી, પારડીમાં 130 મીમી, કપરાડામાં 63 મીમી, ઉમરગામમાં 63 મીમી, ધરમપુરમાં
144 મીમી તેમજ વલસાડ સિટીમાં 55 મીમી વરસાદ નોંધાયો છે. તથા તાપી જિલ્લાના નિઝરમાં
22 મીમી, ઉચ્છલમાં 30 મીમી, વાલોડમાં 54 મીમી, સોનગઢમાં 128 મીમી, વ્યારામાં 124 મીમી,
કુકરમુંડામાં 54 મીમી અને ડોલવણમાં 59 મીમી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના ઓલપાડમાં
27 મીમી, માંગરોળમાં 28 મીમી, ઉમરપાડામાં 92 મીમી, માંડવીમાં 82 મીમી, કામરેજમાં
62 મીમી, ચોર્યાસીમાં 22 મીમી, બારડોલીમાં 124 મીમી, પલસાણામાં 45 મીમી, મહુવામાં
83 મીમી અને સુરત સિટીમાં 66 મીમી વરસાદ નોંધાયો છે. તથા નવસારી જિલ્લાના ગણદેવીમાં
14 મીમી, ચીખલીમાં 21 મીમી, વાંસદામાં 21 મીમી, ખેરગામમાં 116 મીમી અને નવસારી સિટીમાં
02 મીમી વરસાદ નોંધાયો છે. તથા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 06 મીમી, વઘઈમાં 12 મીમી,
સુબીરમાં 16 અને સાપુતારામાં 19 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ફ્લ્ડ કંટ્રોલના વિભાગ
પાસેથી મળતી માહિતી પ્રમાણે સવારથી મોડી સાંજ સુધીની ઉકાઈ ડેમની સપાટી 315.65 છે જ્યારે
રૂલ લેવલ 321 ફૂટ છે. તેમજ ઈન ફ્લો 22479 ક્યૂસેક અને આઉટ ફ્લો 800 ક્યુસેક છે.