• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

બરડા ડુંગરમાં ધમધમતી દારૂની ભઠ્ઠી : દરોડામાં ત્રણ સગીર ઝડપાયા

4.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો : સૂત્રધાર ફરાર 

પોરબંદર તા.9: પોરબંદરના બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ત્રણ સગીરને 4,54,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે જયારે આ ભઠ્ઠી ચલાવતા બે શખસો પોલીસ પહોંચે તે પૂર્વે ફરાર થઇ જતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બરડા ડુંગરના જાંબુવન ગુફાથી બે કિલોમીટર દૂર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડ્યો હતો પોલીસે અહીં કામ કરતા ત્રણ સગીરને સકંજામાં લઇ પૂછતાછ કરતા આ ભઠ્ઠી આદિત્યાણાના નામચીન બુટલેગર કિશોર સાજણ ગુરગુટીયા અને સરમણ પોલા ગુરગુટીયા ચલાવતા હોવાની કબૂલાત આપતા હેડ કોન્સ્ટેબલ રાણાભાઇ કુંગશીયાએ રાણાવાવ પોલીસ મથકમાં ત્રણ સગીર ઉપરાંત કિશોર, સરમણ, ચિરાગ જેઠા અને પાલા ભલા સહીત સાત સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે અહીંથી 1490 લીટર દેશી દારૂ, હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતું બાઈક, 3 મોબાઈલ અને 50 મણ લાકડા સહિત 4,54,500 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે સ્થળ પરથી મળી આવેલ 4400 લીટર આથાનો નાશ કરવામાં આવ્યો હતો  પોલીસની પ્રાથમિક તપાસમાં સૂત્રધાર કિશોર સામે 17 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક