• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

લાલપર નજીક કન્ટેનરની ઠોકરે કાકા-ભત્રીજાનું મૃત્યુ

મોરબીનો પરિવાર શોકમાં ગરકાવ : નાસી છુટેલા ડ્રાઈવરની શોધખોળ

 

મોરબી, તા.28: તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાંથી પરત ફરતી વખતે વહેલી સવારે લાલપર નજીક કૌટુંબિક કાકા-ભત્રીજાના બાઈકને કન્ટેનર ચાલકે પાછળથી ઠોકર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત કાકા અને ભત્રીજાના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવને પગલે પોલીસે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના રહેવાસી કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ મેઘાજીભાઈ ભંખોડીયા અને ભત્રીજો રમેશ પ્રેમજીભાઈ ભંખોડીયા બંને બાઈક લઈને તરણેતર લોકમેળામાં ગયા હતા અને મેળામાંથી પરત આવતા હતા ત્યારે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ નજીક વહેલી સવારે પહોંચ્યા ત્યારે કન્ટેનર ચાલકે બાઈકને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર પ્રેમજીભાઈ અને રમેશભાઈ બંને પડી જતા ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ બંનેના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા.

અકસ્માત સર્જનાર કન્ટેનરનો ચાલક નાસી ગયાની સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. બંને મૃતદેહ પીએમ અર્થે

હોસ્પિટલ ખસેડાયા હતા. મોરબી તાલુકા પોલીસે કન્ટેનર ચાલક વિરૂદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. કાકા-ભત્રીજાના મૃત્યુને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક