• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

સાવરકુંડલાના મઢડા ગામે આધેડની હત્યામાં ભત્રીજાની ધરપકડ

અપરિણીત કાકાના ત્રાસથી કંટાળી કુહાડી, લાકડી ફટકારી ઢીમ ઢાળી દીધાની કબૂલાત

અમરેલી, તા.29: સાવરકુંડલા તાલુકાના મઢડા ગામના પાદરમાં રહેતા જીલુભાઇ ખોખાભાઇ વાઘોશી નામના 55 વર્ષીય આધેડની ગત તા.26ના રોજ સાંજે મઢડા ગામે કોઇ અજાણી વ્યક્તિએ કોઇ તિક્ષણ અથવા બોથડ હથિયાર વડે ગંભીર ઇજાઓ કરી હત્યા નિપજાવી હતી.

આ અંગે મૃતકના ભત્રીજા બાબુભાઇ જેઠુડભાઇ વાઘોશીએ પોલીસ ફરીયાદ નોંધાવતા અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતે આ ગુનાનો ભેદ ઉકેલવા સૂચના આપી હતી.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પી.આઇ. વી.એમ. કોલાદરા તથા સાવરકુંડલા રૂરલ પી.આઇ. પી.એલ. ચૌધરીની રાહબરી હેઠળ સંયુકત ટીમો બનાવી, અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવી હતી. બનાવ સ્થળ તથા આજ બાજુના વિસ્તારોની તેમજ મૃતકના પરિવાર તથા આજુબાજુમાં રહેતા રહીશોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતક જીલુભાઇ ખોખાભાઇ વાઘોશીને તેના ભત્રીજા આરોપી ઘોહાભાઇ બચુભાઇ વાઘોશી સાથે અણબનાવ બન્યો હોવાની હકિકત ધ્યાને આવી હતી. જે અન્વયે મજકુરની સઘન પૂછપરછ કરતા પોતે જ તેના કાકા જીલુભાઇ વાઘોશીની હત્યા કરી હોવાની કબુલાત આપતા અનડીટેકટ હત્યાનો ભેદ ઉકેલવામાં અમરેલી એલ.સી.બી. ટીમને સફળતા મળી હતી.

આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ મૃતક જીલુભાઇ વાઘોશી અપરિણીત હોય, અને તેમની સાથે રહેતા હતા. થોડા સમય પહેલા આરોપીએ ઘેટા -બકરા વેચ્યા હતા. તેના પૈસા આવેલ તે પૈસાથી તેમણે વાડામાં કામ કરાવ્યું હતું અને ભેંસો લીધી હતી. બાકીના પૈસા વાપરી નાખ્યા હતા. તે પછી કાકા અવાર નવાર આરોપી પાસેથી પૈસા લઇ જતા હતા. અને જો તેમને કાંઇપણ પૂછતા તો કાકા પોતાના ભાગની જમીન વહેચી નાખવાનું કહેતા હતા. અને જેમ  ફાવે તેમ વર્તન કરી અપશબ્દો બોલતા હતા. કાકાનો ખુબ ત્રાસ હોય, જેથી આરોપીને અવાર નવાર તેમને તેના કાકાને મારી નાખવાનો વિચાર આવતો હતો.

ત્યારે ગત તા.25ના રોજ આરોપી તથા તેના કાકા જીલુભાઇ વાડીએ એકલા હતા. ત્યારે મોકો મળતા રાત્રીના સમયે જીલુભાઇ ખાટલામાં સુતા હતા, તે વખતે કુહાડી અને લાકડાના બડીયા વડે આડેધડ માર મારી કાકાનું ઢીમ ઢાળી દીધુ હતું અને કાકા જીલુભાઇની લાશ વાડીએથી ઉંચકીને ગામ બાજુ લઇ ગયો હતો. અને એક પાણી ભરેલા ખાડામાં નાખી દીધી હોવાની હકિકત જણાવતા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક