• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

પોરબંદરથી પકડાયેલો બાંગ્લાદેશી દિલ્હી, મુંબઇ, હરિદ્વાર, કલકતામાં રોકાયો હોવાની કબૂલાત

માનસિક અસ્થિર નહિ શાતિર હોવાની શંકાએ ઇન્ટેલીજન્સ દ્વારા તપાસ

પોરબંદર, તા.29: પોરબંદરમાં ગેરકાયદેસર વસવાટ કરતો એક બાંગ્લાદેશી મળી આવ્યો હતો જેને સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સીની ટીમના ઇનપુટ આધારે ડિટેકટ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ એસ.ઓ.જી.એ તપાસ હાથ ધરી હતી. જો કે એસઓજી એવું જણાવી રહ્યું છે કે એ માનસિક જેવો જણાય છે પરંતુ ભારતના અનેક રાજ્યનું પરિભ્રમણ કરનાર આ ઇસમ ખરેખર માનસિક છે કે પછી પોલીસને ઉંધા ચશ્મા પહેરાવી રહ્યો છે ? તે તપાસનો વિષય છે.

પોરબંદરના કમલાબાગ પોલીસ મથકની હદમાંથી કેટલાક દિવસો પહેલા સ્ટેટ ઇન્ટેલિજન્સની ટીમે ચોક્કસ માહિતી આધારે વોચ રાખી હતી અને બે દિવસથી પોરબંદરમાં આવેલા અંદાજે 20 થી 25 વર્ષના બાંગ્લાદેશી ઇસમને ડિટેકટ કરવામાં આવ્યો હતો.  તેની પૂછપરછ કરતા તે તાજેતરમાં જ પોરબંદર આવ્યો હોવાની કબુલાત આપી હતી. આ બાંગ્લાદેશી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દિલ્હી સહિત બંગાળમાં પણ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તેથી સુરક્ષા એજન્સીની ટીમે પૂછપરછ હાથ ધરી  ત્યાંના એમ્બેસીને જાણ કરવાની કાર્યવાહી કરી હતી.

એસઓજીની ટીમે પ્રાથમિક તબક્કે તપાસમાં તે માનસિક હોવાનું જણાવ્યું છે. પરંતુ તે હકીકતે માનસિક છે કે પોલીસનો ઉંધા ચશ્મા પહેરાવી રહ્યો છે ? એ તપાસનો વિષય બન્યો છે કારણ કે બાંગ્લાદેશ ખાતેથી અંદાજે છ મહિના પહેલા ભારતમાં આવ્યા પછી કલકતાથી માંડીને દેશની રાજધાની નવી દિલ્હી ખાતે પણ પરિભ્રમણ કર્યુ છે એટલું જ નહીં  પરંતુ એક આશ્રમ ખાતે રહેવાની સાથો સાથ તે કામ પણ કરી ચૂકયો છે. મુસ્લિમોના ધર્મસ્થાનની મુંબઇ ખાતે મુલાકાત લીધી હતી તે ઉપરાંત હરિદ્વાર ખાતે પણ એક મહિનો રહ્યો હતો. તેથી હિન્દુ -મુસ્લિમોના ધર્મસ્થાન ગણાય તેવા મહત્વના સ્થાનોએ મહિનાઓ સુધી આ બાંગ્લાદેશી એ શું કર્યુ ? તેની પૂછપરછ કરીને માહિતી બહાર લાવવી જરૂરી બની છે. આ બાંગ્લાદેશી લખી પણ શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક