• બુધવાર, 04 માર્ચ, 2026

ભાવનગરના ભાદ્રોડ પાસેથી દૂધના ટેન્કરમાંથી 78.20 લાખનો દારૂ ઝડપાયો

સ્ટેટ મોનિટારિંગ સેલનો દરોડો : 1.03 કરોડના મુદ્દામાલ સાથે ટેન્કર ચાલકની ધરપકડ

ભાવનગર, તા.3:  ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોડ નજીક સ્ટેટ મોનિટારિંગ સેલની ટીમે એક દૂધના ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે રૂ.1.03 કરોડના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે વોચ ગોઠવી સ્ટેટ મોનિટારિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પંજાબના પટિયાલાથી એક દૂધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને મહુવા તરફ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મહુવા નજીક ભાદ્રોડ ગામ પાસે હાઈવે પર આવેલા બુટિયાના નાળા પાસે વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા દૂધના ટેન્કરને અટકાવી પોલીસે જ્યારે ટેન્કરની અંદર તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. દૂધના પરિવહન માટે વપરાતા આ ટેન્કરમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 466 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 16,416 બોટલો ભરેલી હતી, જેની બજાર કિંમત આશરે 78,20,184 જેટલી થાય છે. પોલીસે દારૂ, ટેન્કર અને મોબાઈલ ફોન સહિત કુલ 1.03 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મામલે પોલીસે ટેન્કર ચાલક હનુમાનરાવ માંગીલાલ બિશ્નોઈ (રહે. રાજસ્થાન) ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો પંજાબના પટિયાલાથી ભરત દેવાસી (રહે. રાજસ્થાન) નામના શખસે મોકલાવ્યો હતો. હાલમાં મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને આ દારૂનો જથ્થો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક