જેતપુર,તા.7 : જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક જ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ પર એકથી વધુ લક્ઝરી બસો દોડાવી સરકાર સાથે લાખો રૂપિયાની ટેક્સચોરી અને છેતરાપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અલગ-અલગ જગ્યાએથી કુલ 11 વાહનો અને 31 જેટલી શંકાસ્પદ નંબર પ્લેટો મળીને કુલ રૂ. 1,55,50,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ એક જ રજીસ્ટ્રેશન નંબરથી એકથી વધુ બસો ગેરકાયદે રીતે રસ્તા પર દોડાવી સરકારમાં ભરવાપાત્ર મોટો ટેક્સ ચોરી કરતા હતા અને સાથે જ પોલીસ તેમજ આર.ટી.ઓ. તંત્રને પણ ગુમરાહ કરતા હતા. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે રબારીકા ચોકડી પાસે નેશનલ હાઇવે પર વોચ ગોઠવીને જૂનાગઢ તરફથી આવતી ’શ્રી મહાલક્ષ્મી’ નામની લક્ઝરી બસને અટકાવી તપાસ કરતા તેમાં ખોટી નંબર પ્લેટ લગાડેલી હોવાનું ખૂલ્યું હતું, જેથી પોલીસે તેના ચાલક કૌશિકભાઇ યોગેશભાઇ જયસ્વાલની ધરપકડ કરી હતી. ત્યારબાદ જેતપુર-જૂનાગઢ હાઇવે પર ’પાવન ટ્રાવેલ્સ’ના ડેલામાં દરોડો પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ત્યાં એક જ સરખા આર.ટી.ઓ. નંબર ધરાવતી કુલ 4 લક્ઝરી બસો મળી આવી હતી. ડેલામાંથી પોલીસે આરોપી અલ્પેશભાઇ ઉર્ફે ટોનુભાઇ નવીનચંદ્ર જયસ્વાલ અને તેમના પુત્ર પાવનભાઇની અટકાયત કરી હતી.
પોલીસે આ દરોડા દરમિયાન શંકાસ્પદ મિલકત ગણીને અન્ય 5 લક્ઝરી બસો અને 1 મારુતિ વાન તેમજ જુદા-જુદા નંબરની 31 નંગ ડુપ્લીકેટ નંબર પ્લેટો પણ જપ્ત કરી છે. આ સમગ્ર કૌભાંડ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો જેવી કે છેતરાપિંડી અને ખોટા દસ્તાવેજ બનાવવા તેમજ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
-------