જેતપુર, તા. 7: જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આજે બપોરે એક હત્યાની ઘટના સામે આવી છે. અહીં રહેતા કમલેશભાઈ અરાવિંદભાઈ વાઘેલા નામના યુવાને રાજકોટના કોઠારિયા વિસ્તારના નીતાબેન સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તેઓ સાથે રહેતા હતા. નીતાબેનના પતિનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું, પરંતુ માતા અન્ય પુરુષ સાથે મૈત્રી કરારથી રહે તે તેના 20 વર્ષીય પુત્ર જયેન કાળુભાઈ વાઘેલાને મંજૂર નહોતું. આ બાબતની જૂની અદાવત અને મનમાં રોષ સાથે આજે સવારે જયેન રાજકોટથી જેતપુર આવ્યો હતો અને કણકિયા પ્લોટમાં કમલેશભાઈનો ભેટો થતાં જ નેફામાંથી છરી કાઢી તેમના પર તૂટી પડયો હતો. જેથી કમલેશભાઈ ત્યાં જ ઢળી પડયા હતા અને હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવની વિગત મુજબ આરોપી જયેનના મગજ પર છેલ્લા બે-ત્રણ દિવસથી ખૂન સવાર હતું. તે મોબાઈલમાં અવારનવાર ક્રૂરતાપૂર્વક કેવી રીતે હત્યા કરવી તેની જુદી-જુદી વીડિયો ક્લિપ્સ જોયા કરતો હતો. એટલું જ નહીં, તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર હત્યાના વીડિયોનું એક સ્ટેટ્સ પણ રાખ્યું હતું. કમલેશભાઈની હત્યાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તેમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપીએ બરાબર સ્ટેટ્સમાં મુકેલા વીડિયો ક્લિપની જેમ જ ક્રૂરતાપૂર્વક આખી ઘટનાને અંજામ આપ્યો હતો.
આ ચકચારી ઘટના અંગે મૃતકના ભાઈ કપિલભાઈએ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી જયેન વાઘેલાને હસ્તગત કરી લીધો છે. આ મામલે ડીવાયએસપી રોહિતાસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, આરોપી પકડાઈ ગયો છે અને આ ગુનામાં તેને રેકી કરવામાં કે અન્ય કોઈ રીતે મદદગારી કરનાર કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ ચાલુ છે.