ક્ષ 30% વ્યાજે આપેલા નાણાં સામે પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો
ગોંડલ,તા.7:બાયોકોલના કારખાનામાં મોટું નુકસાન જતાં એક યુવાને ધંધાની ખોટ સરભર કરવા માટે સાત લાખ રૂપિયા તાતિંગ 30% વ્યાજે લીધા હતા. આ રકમ સામે પત્નીના દાગીના ગીરવે મૂકી ત્રણ લાખ રૂપિયા પરત ચૂકવી દીધા હોવા છતાં, વ્યાજખોરે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી બે કોરા ચેક પડાવી લીધા હતા અને વ્યાજ સહિત વધુ 12 લાખ રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અસહ્ય માનસિક ત્રાસ અને મૃત્યુના ભયથી કંટાળીને કારખાનેદારે કારમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે બાદ તેમને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
આ સમગ્ર મામલે ઉર્જા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય કારખાનેદાર બિપીનભાઇ જયંતીભાઈ ઠુમ્મરે સારવાર બાદ સ્વસ્થ થતાં રાજકોટના કણકોટ ગામે રહેતા વ્યાજખોર વિશાલ ઉર્ફે વિર કિશોરભાઈ સોંદરવા વિરુદ્ધ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતે પોલીસને જણાવ્યું હતું કે વ્યાજખોર વિશાલ અવારનવાર ઘરે આવીને ગાળો આપતો હતો અને દવા પીધા પછી પણ તેના ભાઈ દક્ષેશ પાસે 12 લાખની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. હાલ પોલીસે મની લેન્ડ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.