• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

માંગરોળ નજીક શેરિયાજ બારાના દરિયામાંથી બે માછીમારના મૃતદેહ મળ્યા

સવારે એક અને બપોરે બીજા યુવાનનો મૃતદેહ મળ્યો; પરિવારજનોએ ઘટનાને શંકાસ્પદ ગણાવી, મરીન પોલીસની તપાસ તેજ

માંગરોળ, તા.16: માંગરોળ નજીક આવેલા શેરિયાજ બારાના દરિયામાંથી બે માછીમારના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આજે સવારે દરિયાકાંઠેથી એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે તેની સાથે માછીમારી કરવા ગયેલો અન્ય યુવાન લાપતા હતો. ફાયર વિભાગ અને સ્થાનિક માછીમારોની ભારે શોધખોળ બાદ બપોરે આશરે ચાર વાગ્યાના સુમારે બીજા યુવાનનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ બંનેના મૃત્યુ દરિયામાં ડૂબી જવાથી થયા હોવાનું પોલીસ માની રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શેરિયાજ બારા ગામના દરિયાકાંઠે આજે સવારે એક મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ મરીન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ અલ્તાફ હાસમભાઈ ભેસલીયા (ઉંમર 33 વર્ષ), રહે. માધવપુર તરીકે થઈ હતી. તેઓ છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં માછીમારીનો વ્યવસાય કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અલ્તાફ અને તેની સાથે માછીમારી કરતો 18 વર્ષીય ચાંદ હુસેન હીસબાની સાંજે માછીમારી કરીને પરત આવ્યા હતા. જોકે, ત્યારબાદ બંને ફરી રાત્રિના સમયે દરિયામાં ગયા હતા. સવારે અલ્તાફનો મૃતદેહ મળી આવ્યા બાદ તેની સાથે રહેલો ચાંદ હુસેન લાપતા હોવાનું સામે આવ્યું હતું.

બીજા યુવાનની શોધખોળ માટે ફાયર વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક માછીમારોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે બપોર બાદ આશરે ચાર વાગ્યાના સુમારે ચાંદ હુસેન હીસબાની (ઉંમર 18 વર્ષ)નો મૃતદેહ પણ મળી આવ્યો હતો. એક જ ઘટનામાં બે યુવાન માછીમારોનાં મૃત્યુ થતાં માછીમાર સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

મૃતક અલ્તાફના પરિવારજનોએ આ ઘટનાને શંકાસ્પદ ગણાવી અનેક સવાલો ઉઠાવ્યા હતા. બંને યુવાનો રાત્રિના સમયે દરિયામાં ગયા બાદ આ દુર્ઘટના કેવી રીતે બની તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી. બંને મૃતદેહોને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં માછીમાર સમાજના લોકો હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા.

આ અંગે મરીન પોલીસ પીઆઈ એન. વાઘેલાએ જણાવ્યું કે, બંને મૃતદેહો પર દેખીતી રીતે ઈજાનાં કોઈ નિશાન જોવા મળ્યાં નથી. હાલના તબક્કે દરિયામાં ડૂબી જવાથી બંનેના મૃત્યુ થયાં હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, પરિવારજનોએ વ્યક્ત કરેલી શંકા સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક