• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

ફરી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ ?

ભારતને લઈને આઈએમએફની મોટી ચેતવણી

 

નવી દિલ્હી, તા. 16 ઃ મિડલ ઈસ્ટના સંઘર્ષની અસર ભારત પર પણ પડી શકે છે. ઈન્ટરનેશનલ મોનિટારિંગ ફંડ એટલે કે, આઈએમએફએ ચેતવણી આપી છે કે, જો ઈંધણની કિંમતો લાંબા સમય સુધી ઊંચી રહેશે, તો ભારતમાં મોંઘવારીનું દબાણ વધી શકે છે. રિપોર્ટ અનુસાર, ક્રૂડ ઓઈલની સરખામણીએ ડીઝલ અને જેટ ફ્યુઅલના ભાવમાં વધુ ઝડપી વધારો થયો છે.

આઈએમએફના ઓક્ટોબર 2026ના ‘એશિયા-પેસિફિક રિજનલ ઈકોનોમિક રિપોર્ટ’ અનુસાર, ભારતે આ સંકટ વચ્ચે ખૂબ જ સમજૂતીપૂર્વક કામ લીધું છે. મધ્ય-પૂર્વના તણાવ છતાં ભારતે વિશ્વના અન્ય ભાગોમાંથી કાચું તેલ ખરીદીને પોતાના પુરવઠાને પ્રભાવિત થવા દીધો નથી. જૂન સુધીમાં દેશમાં તેલનો પુરવઠો સંઘર્ષ પહેલાના સ્તરે આવી ગયો હતો, પરંતુ આઈએમએફનું માનવું છે કે, માત્ર નવા સ્ત્રોતોમાંથી તેલ ખરીદવું પૂરતું નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં જો કિંમતો વધશે તો ભારતીય અર્થતંત્ર પર દબાણ આવવાનું નક્કી છે.

રિપોર્ટમાં એક મોટો ખુલાસો એ થયો છે કે, ક્રૂડ ઓઈલની સરખામણીએ રિફાઈન્ડ પ્રોડક્ટ્સ જેવી કે ડીઝલ અને જેટ ફ્યુઅલના ભાવ વધુ ઝડપથી વધ્યા છે. જો ડીઝલ મોંઘું થશે તો ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન અને માલસામાનની હેરફેરનો ખર્ચ વધી જશે. તેની સીધી અસર શાકભાજી, અનાજ-રાશન અને રાજિંદા જીવનજરૂરી સામાનની કિંમતો પર પડશે, જેનાથી સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ શકે છે.

ઓઈલની કિંમતો વધવાથી માત્ર જનતા પર જ નહીં, પરંતુ સરકારી તિજોરી પર પણ નકારાત્મક અસર પડશે. આઈએમએફએ સૂચન કર્યું છે કે, સરકારોએ દરેક માટે ઈંધણ સસ્તું કરવા કે સબસિડી આપવાને બદલે માત્ર જરૂરિયાતમંદ અને નબળા વર્ગો માટે જ રાહત યોજનાઓ ચલાવવી જોઈએ, જેથી દેશના અર્થતંત્રનું સંતુલન ન બગડે.

આ તમામ પડકારો છતાં રાહતના સમાચાર એ છે કે, ભારતીય અર્થતંત્રનો પાયો મજબૂત છે. આઈએમએફના અંદાજ મુજબ, સુધરેલી સ્થાનિક માંગ અને સર્વિસ સેક્ટરના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે વર્ષ 2026માં ભારતનો આર્થિક વિકાસદર એટલે કે, જીડીપી 7 ટકા રહેવાની ધારણા છે. જો કે, આ ઝડપ જાળવી રાખવા માટે ભારતે ઊર્જા સુરક્ષા અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ રોકાણ કરવું પડશે.

 

 

પેટ્રોલ-ડીઝલની નિકાસ ઉપર વિંડફોલ ટેક્સ

 

નવીદિલ્હી,તા.16ઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ ઉપર થતાં આસમાની નફા ઉપર વિંડફોલ ટેક્સ લાગુ કરી દીધો છે. પેટ્રોલની નિકાસમાં પ્રતિ લીટર 2.પ રૂપિયા અને ડીઝલની નિકાસમાં 8.પ રૂપિયા પ્રતિ લીટર વિંડફોલ ટેક્સ લાગુ થશે. આ નવા દર તાત્કાલિક અસરથી એટલે કે આજથી જ લાગુ થઈ ગયા છે.  વિંડફોલ ટેક્સનો ઉદ્દેશ અસાધારણ સંજોગોમાં થતાં અતિરિક્ત લાભો ઉપર કર વસૂલવાનો છે. આ શુલ્ક પેટ્રો પેદાશોની નિકાસ ઉપર લાગુ થશે.  તાજેતરનાં વર્ષોમાં બ્રિટન, ભારત અને અમેરિકા જેવા મોટા દેશો દ્વારા વિંડફોલ ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. આ ટેક્સ સરકાર વિશિષ્ટ સંજોગોમાં લાગુ કરતી હોય છે. વૈશ્વિક ઘટનાઓ, પુરવઠાની કમી, દેશો વચ્ચેનાં તનાવ અને આર્થિક સંકટ વચ્ચે કંપનીઓને અચાનક અત્યાધિક નફાની તકો મળવા માંડતી હોય છે. આ સ્થિતિમાં પુરવઠાને નિયંત્રિત રાખવા માટે આવા પગલા લેવામાં આવતાં હોય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક