• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે નિર્ણાયક મેચ, વરસાદનું ગ્રહણ ચિન્નાસ્વામી ખાતે T-20 શ્રેણી વિજયનો ફેંસલો થશે

 નવી દિલ્હી, તા.16: વેસ્ટ ઈન્ડિઝની ટીમે હૈદરાબાદ ખાતે રમાયેલા ચોથા ટી20 મુકાબલામાં ભારત સામે 24 રને વિજય મેળવ્યો હતો. આ જીત સાથે કેરેબિયન ટીમે પાંચ મેચોની શ્રેણીમાં 2-2ની બરાબરી સાધી શ્રેણી જીવંત રાખી હતી. હવે સૌની નજર 17 ઓક્ટોબરે બેંગલુરુ ખાતે યોજાનારા અંતિમ અને નિર્ણાયક પાંચમા મુકાબલા પર છે. જોકે, ક્રિકેટપ્રેમીઓના ઉત્સાહ પર બેંગલુરુનું પ્રતિકૂળ હવામાન પાણી ફેરવે તેવી શક્યતા છે.

 શનિવારે બેંગલુરુમાં ભારે ગાજવીજ સાથે વરસાદી તોફાનની સંભાવના છે. સાંજે 5 વાગ્યે 66 ટકા અને ટોસના સમયે 68 ટકા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ આ ઐતિહાસિક મેદાન પર પ્રથમ વાર આમને-સામને ટકરાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્યારેય ભારતીય ધરતી પર ભારત સામે દ્વિપક્ષીય ટી20 શ્રેણી જીતી શકી નથી, પરંતુ આ વખતે કેરેબિયન ટીમ ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરવાની અત્યંત નજીક પહોંચી ગઈ છે. આ ઐતિહાસિક સિદ્ધિના કેન્દ્રાબિંદુમાં તેમના વિસ્ફોટક અને ધરખમ ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન શાઈ હોપ છે, જે વર્તમાન ભારતીય પ્રવાસમાં ટી20 ફોર્મેટમાં 2 સદી સહિત કુલ 4 સદી ફટકારી ચૂક્યો છે.

 આ મેદાન પર અત્યાર સુધી 2 બેટ્સમેન ટી20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાની સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે, જે હોપ માટે રેકોર્ડબ્રેક ઇનિંગ રમવા પ્રોત્સાહક પરિબળ બની શકે છે. ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં કુલ 10 આંતરરાષ્ટ્રીય ટી20 મુકાબલા રમાયા છે. છેલ્લી મેચ જાન્યુઆરી 2024માં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે બીજા સુપર ઓવરમાં અફઘાનિસ્તાન સામે વિજય મેળવ્યો હતો. આ પિચ પર ભારતીય ટીમે કુલ 8 મેચ રમી છે, જેમાં 4 માં વિજય, 3 માં પરાજય અને 1 મેચ અનિર્ણિત રહી છે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝે અહીં માત્ર એક જ ટી20 મુકાબલો રમ્યો છે, જેમાં શ્રીલંકા સામે 7 વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો હતો.

ટીમમાં ભુવનેશ્વરનો સમાવેશ

આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટી20 ટીમમાં પસંદગી પામેલા અનુભવી બોલર ભુવનેશ્વર કુમારને તાબડતોબ વિન્ડીઝ સામેના અંતિમ મુકાબલા માટે રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. હૈદરાબાદ ખાતે રમાયેલી ચોથી ટી20 મેચ દરમિયાન અર્શદીપ સિંહ ખભાની ઈજાનો ભોગ બન્યો હતો. અર્શદીપ હાલ ટીમની સાથે જ રહેશે. તેમના અંતિમ મુકાબલામાં રમવા અંગેનો આખરી નિર્ણય મેચ શરૂ થવાના ગણતરીના કલાકો પૂર્વે તેમની ફિટનેસ અને શારીરિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ લેવામાં આવશે. જો અર્શદીપ અંતિમ ઈલેવનમાંથી બહાર રહેશે, તો ભુવનેશ્વર કુમારનું મેદાનમાં ઉતરવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક