અભિવ્યક્તિની સ્વતંત્રતા બધાને પત્રકાર બનવાનો અધિકાર આપે છે? ઃ ગંભીર વિચાર માગતો સવાલ
નવીદિલ્હી,તા.16ઃ મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરોધી પ્રદર્શનો દરમિયાન પત્રકારો સાથે દુર્વ્યવહાર અને પોલીસનાં મારપીટ અને અટકાયત સહિતનાં આત્યંતિક પગલાંઓ વિરોધી અરજી ઉપર સુનાવણી કરતાં આજે દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્વની ટિપ્પણી અને અવલોકન કરતાં કહ્યું હતું કે, અભિવ્યક્તિની આઝાદીનાં અધિકાર હેઠળ કોઈપણ વ્યક્તિ પત્રકાર હોવાનો દાવો કરી શકે છે. જો દેશનો પ્રત્યેક નાગરિક પત્રકાર બનવા લાગે તો તેનાથી બધા માટે નવી સમસ્યા પેદા થઈ શકે છે.
આ મુદ્દે દેશ સમક્ષ ત્યારે ઉભો થયો છે જ્યારે વિરોધ પ્રદર્શન સ્થળો ઉપર નોંધાયેલા મીડિયાનાં માન્યતાપ્રાપ્ત પત્રકારો ઉપરાંત સ્વતંત્ર પત્રકારો અને રીલ બનાવનારા ઉત્સાહીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. જો કે દેશનાં પ્રધાન ન્યાયધીશ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ મહિલા પત્રકાર સાથે કથિત મારપીટનાં આરોપોને ગંભીર ગણાવ્યા હતાં.
વરિષ્ઠ એડવોકેટ ઈંદિરા જયસિંહે સુપ્રીમ કોર્ટની બેંચને ફરિયાદ કરી હતી કે, દિલ્હી પોલીસ વિરોધ પ્રદર્શનને કવર કરતા સ્વતંત્ર અને ફ્રીલાંસ પત્રકારોને માન્યતા નથી આપતી. પોલીસ આવા પત્રકારો પાસેથી પીઆઈબીની માન્યતાનાં કાર્ડ બતાવવા માટે દબાણ કરે છે. જયસિંહ દ્વારા માગ કરવામાં આવી હતી કે, પોલીસ માટે એક રાષ્ટ્રીય પ્રોટોકોલ બનાવવો જોઈએ. જેથી ક્યાં મીડિયા દ્વારા જારી ઓળખપત્ર ધરાવતા પત્રકારને પોતાનાં વ્યાવસાયિક કામ માટે રોકવામાં ન આવે તેની કાયમી સ્પષ્ટતા રહે.
સુપ્રીમ કોર્ટે આમાં સાવધાની વર્તવાની જરૂરીયાત વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો બધા જ પત્રકાર બનવા લાગશે તો દર બીજા વ્Îક્તિ સામે સમસ્યા ઉભી થઈ શકે છે. ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે, એ સવાલ ઉપર ગંભીર વિચાર કરવો પડશે કે શું અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર દેશનાં પ્રત્યેક નાગરિકને પત્રકાર બનવાનો અધિકાર આપે છે. આ કોઈ આસાન સવાલ નથી. પત્રકારોની અલગ-અલગ શ્રેણી છે. માન્યતાપ્રાપ્ત પત્રકાર, નોંધાયેલા મીડિયામાં કામ કરતાં પત્રકાર, સ્વતંત્ર પત્રકાર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને રીલ બનાવતા લોકો. જેને પગલે સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું હતું કે, આ મુદ્દાની વિસ્તૃત ચકાસણી આવશ્યક છે કે, ક્યા પત્રકારોની વિશેષ શ્રેણીને અતિરિક્ત સુરક્ષા આપવી જરૂરી છે. કાર્યરત પત્રકાર ધારામાં પણ પત્રકારોની વિવિધ શ્રેણી છે અને તેનાં તમામ પરિમાણો ઉપર વિચાર આવશ્યક છે.
સીજેપી દેખાવો ઃ તરત નિર્દેશની સુપ્રીમની ના
નવી દિલ્હી, તા. 16 ઃ દિલ્હીના કનોટ પ્લેસ નજીક ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા કરવામાં આવનારા વિરોધ પ્રદર્શન અંગે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક કોઈ નિર્દેશ જાહેર કરવાનો ઇન્કાર કર્યો છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે આશા વ્યક્ત કરી હતી કે, તમામ પક્ષો સમજદારીથી કામ લેશે. કોર્ટે નાના દુકાનદારો અને ફેરિયાઓની આજીવિકાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તહેવારો કે ખાસ દિવસોની કમાણીથી જ તેમના પરિવાર ચાલતા હોય છે. દિલ્હી હાઈકોર્ટ પણ આ મામલે સુનાવણી કરી રહી હોવાથી સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે, જો આ પ્રદર્શન કે સરકારી નિર્ણયોથી વેપાર-ધંધાને નુકસાન થશે, તો કોર્ટ પોતાના બંધારણીય અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરીને વળતર અંગે વિચાર કરી શકે છે.
સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા મોડી રાત્રે સેન્ટ્રલ પાર્કને બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશના કારણે ત્યાં વેપાર-ધંધા બંધ રહેશે, જેથી લારી-ગલ્લાવાળા અને નાના વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે.
એનડીએમસીના આદેશ અંગે ટિપ્પણી કરતાં જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું કે, જો કોઈ પગલું બિનજરૂરી કે અયોગ્ય જણાશે, તો અદાલત પાસે સાર્વજનિક કાયદા અને વળતર સંબંધિત જોગવાઈઓ હેઠળ આદેશ આપવાનો સંપૂર્ણ અધિકાર છે. જો એનડીએમસીના આદેશથી નાના વેપારીઓની આજીવિકા કે રોજીરોટીને નુકસાન પહોંચશે, તો કોર્ટ આ મામલાને ગંભીરતાથી લેશે.
ચીફ જસ્ટિસે સ્પષ્ટ કર્યું હતું કે સેન્ટ્રલ પાર્ક ફરી ખુલ્યા બાદ વેપાર કે આજીવિકાના નુકસાનનો મુદ્દો ઉઠાવી શકાશે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી 26 અથવા 27 ઓક્ટોબરના રોજ નક્કી કરી છે અને ત્યાં સુધી નુકસાન અંગેની વિગતો રજૂ કરવા જણાવ્યું છે. આમ, કોર્ટે પ્રદર્શન પર સીધો રોક લગાવવાને બદલે નાના વેપારીઓના હિત અને વળતરના વિકલ્પ પર ભાર મૂક્યો છે.