• શનિવાર, 10 જૂન, 2023

સુરેન્દ્રનગરમાં ખાણ માફિયાનું નેટવર્ક તોડવા પ્રયાસ

સરકારી અધિકારી અને તેની ગાડીના ફોટા પાડીને ગ્રુપમાં વાયરલ કરનાર ત્રણ ઝડપાયા

(ફૂલછાબ ન્યૂઝ)

વઢવાણ, તા. 25: સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ માફિયાનું નેટવર્ક તોડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ખાણ ખનીજની ચોરી કરતાં ખાણ માફિયાઓ દ્વારા સક્ષમ અધિકારી અને તેની ગાડીના ફોટા પાડીને તેના લોકેશનની વોટ્સએપ ગ્રુપમાં જાણ કરનાર ત્રણ શખસને પોલીસે ઝડપી લીધા હતાં.

આ અંગે મૂળીના ધોળિયા ગામના કાના હકાભાઇ સાતોલા, ચકા મફાભાઇ સાતોલા અને ગોપાલ મફાભાઇ સાતોલાને રામપરડા ગામના પાટિયા પાસેથી ઝડપી લેવાયા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લામાં થાન, લીંબડી સહિતના વિસ્તારમાં કોલસી અને રેતી વગેરે ખનીજની ચોરી કરીને વેચાણ કરતાં ખાણ માફિયાઓ દ્વારા મોબાઇલ ફોનમાં વોટસએપ ગ્રુપ બનાવીને સરકારી વિભાગના અધિકારીઓ પર વોચ રાખીને તેની ગાડીના લોકેશન ગ્રુપમા શેર કરવામાં આવતા હોવાની વિગતો પોલીસને મળી હતી. આ ગેરકાયદે પ્રવૃત્તિ અને ખાણ માફિયાઓનું આ પ્રકારનું નેટવર્ક તોડી પાડવા માટે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ દોશીની સૂચનાથી એલસીબી અને એસઓજીના ઇન્ચાર્જ ઇન્સ. એસ.એમ.જાડેજા અને તેની ટીમે તપાસ શરૂ કરી હતી બાદમાં ચોક્કસ બાતમીના આધારે રામપરડા ગામના પાટિયા પાસેથી કાના સાતોલા, ચકા સાતોલા અને ગોપાલ સાતોલાને ઝડપી લીધા હતા.

એ ત્રણેયના મોબાઇલ ફોન ચેક કરતાં તેમાં મા શક્તિ ગ્રુપ, મા મેલડીની મોજ, જય માંડવરાયજી દાદા સહિતના નામે અલગ અલગ વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતાં. આ ગ્રુપ અંગે પૂછપરછ કરતાં એ ત્રણેયે એવું જણાવ્યું હતું કે, તેઓ ધોળિયા ગામે અલગ અલગ જગ્યાએ કોલસાની ખાણ મજૂરો રાખીને ચલાવે છે અને ખનીજ ચોરી કરે છે. કોલસાની ખાણ સક્ષમ અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં ન આવે તે માટે સક્ષમ અધિકારી ત્યાં પહોંચે તે પહાલ તેની હાજરીની જાણ થઇ જાય તે માટે મજૂરોને વોઇસ કે ટેક્સ મેસેજ દ્વારા જાણ કરી દે છે. એટલુ જ નહીં પણ જુદા જુદા વિભાગના અધિકારીઓ પર વોચ રાખીને અધિકારી અને તેની ગાડીના ફોટા સાથેની માહિતી ગ્રુપમાં આપ લે કરે છે. આ વિગતના આધારે પોલીસે એ ત્રણેયની ધરપકડ કરીને ત્રણ મોબાઇલ ફોન અને કાર મળી કુલ રૂ. 5.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ તમામ ગ્રુપના એડમીન અને ગ્રુપના સભ્યો સામે કાર્યવાહી હાથ ધરી છે. આ રીતે પોલીસે ખાણ માફિયાનું નેટવર્ક તોડવાનો પ્રયાસ શરૂ કર્યો છે.