• શનિવાર, 13 જુલાઈ, 2024

વંથલી પંથકની સંગઠિત ગુનાઇત ગેંગના દસ શખસો સામે ગુજસી ટોકમાં જેલ હવાલે

તમામ ઉપર 3 થી 24 ગંભીર ગુનાઓ નોંધાયા છે

 

જૂનાગઢ, તા.23: રાજ્ય સરકારે સંગઠિત ગુનેગારોને અંકુશમાં લેવા ગુજસી ટોક કાયદો બનાવાયો છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં કાયદો -વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વંથલી પંથકની આવી સંગઠિત ગુનેગાર ટોળકીના દસ શખસો સામે ગુજસી. ટોક હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે. આ તમામ સામે 3 થી 24  ગુનાઓ નોંધાયેલા છે.

વંથલી તાલુકના રવની ગામે તાજેતરમાં અગાઉના મનદુ:ખમાં પિતા-પુત્રની  ગોળીઓ ધરબી હત્યા કરવામાં આવી હતી. આ હત્યારાઓ ઉપર ગંભીર ગુનાઓની અનેક પોલીસ ફરિયાદો નોંધાયેલ છે અને વારંવાર ગંભીર ગુનાઓ આચરવામાં આવે છે. આ ગુનાહિત ટોળકીથી આસપાસના લોકો ફફડે છે ત્યારે જિલ્લા પોલીસવડાએ આ ટોળકીને નાથવા માટે ગુજસી ટોકનું હથિયાર ઉગામ્યું છે.

ગુજસી ટોક હેઠળ જેલમાં ધકેલાયેલ વંથલીના ઝાંપોદડના રહીમ ઉર્ફે ખુરી ઇસ્માઇલ ઉર્ફે ઇસાભાઇ સાંધ સામે વંથલી, પાટણવાવ, ગીર સોમનાથ, તાલાળા પોલીસ સ્ટેશનમાં નવ ગુનાઓ નોંધાયેલા છે. તેમાં હત્યા, હત્યાની કોશિષ, હથિયાર સહિતનો સમાવેશ થાય છે.

જ્યારે વંથલીના ઝાંપોદડના ઇમરાન ઉર્ફે ભીખો હબીબ સાંધ સામે વંથલી અને જૂનાગઢ તાલુકા પોલીસ  સ્ટેશનમાં ચાર ગુના નોંધાયેલા છે. તેમાં હત્યાની કોશિષ તથા હુમલાનો સમાવેશ થાય છે. જ્યારે રવનીનો હનીફ ઇસ્માઇલ સાંધ સામે વંથલી અને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં બે હત્યા સહિતના ત્રણ ગુના નોંધાયેલ છે.

તેમજ રવનીના હુસેન અલારખા સાંધ સામે વંથલી અને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં બે હત્યા સહિત ચાર ગુના નોંધાયેલ છે. જ્યારે રવનીના અમીન ઇસ્માઇલ સાંધ સામે વંથલી, ભાયાવદર, જૂનાગઢ, પાટણવાવ, જૂનાગઢ તાલુકા પોલીસમાં આઠ ગુના નોંધાયેલ છે. હત્યા, હથિયાર, હુમલા સહિતનો સમાવેશ થાય છે.

ઉપરાંત વંથલીના સોનારડીના બોદુ અબુ પલેજા સામે વંથલી, પાટણવાવ, જૂનાગઢ પોલીસ સ્ટેશનોમાં 9 ગુના નોંધાયા છે તેમાં હત્યા, હત્યાની કોશિષ, મારામારી, દારૂ સહિતનો સમાવેશ થાય છે. માણાવદરના રહીમ ઉર્ફે અંતુડી જુસબ હાંગોરની સામે સૌથી વધુ 24 ગુના ગુજરાતભરમાં નોંધાયા છે તેમાં હત્યા, હથિયારના છ ગુનાનો સમાવેશ થાય છે.

તેમજ વંથલીના ઝાંપોદડના અનીશ ઉર્ફે અનલો ઇસ્માઇલ સાંધ સામે જૂનાગઢ તાલુકા તથા વંથલી પોલીસ સ્ટેશનમાં છ ગુના નોંધાયેલા છે. તેમાં હત્યાની કોશિષ, હુમલાનો સમાવેશ થાય છે, ઝાંપોદડના ઇમ્તીયાઝ ઉર્ફે પોલો ઇશા સાંધ સામે વંથલી અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના નોંધાયેલા છે.

ઉપરાંત ઝાંપોદડના ભાવિન ઉર્ફે કાનો મનસુખ પાડલીયા સામે વંથલી રાજકોટ, જૂનાગઢ, ભેસાણ, બાંટવા, મેંદરડા, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાની કોશિષ તથા પાંચ હથિયારના સહિત કુલ-16 ગુના નોંધાયેલ છે.

આ સંગઠિત ગુનાહિત ટોળકી સામે પોલીસે ગુજસી ટોક કાયદા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે ધકેલી દેતા આ પંથકના લોકોએ હાશકારો અનુભવ્યો છે સાથે ગુનાઇત પ્રવૃત્તિમાં સંડોવાયેલાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક