• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

શકુન રાનીને ડબલ વોટર ગણાવીને રાહુલ ફસાયા ચૂંટણીપંચે માગ્યા પુરાવા : નોટિસ જારી કરીને સ્પષ્ટતા માગી

નવી દિલ્હી, તા.10: કર્ણાટકનાં મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મત ચોરીનાં દાવા મુદ્દે નોટિસ જારી કરીને મતદાર યાદીમાં છેતરપિંડીનાં આરોપોની સ્પષ્ટતા અને પુરાવાઓ માગ્યા છે. રાહુલે 7 ઓગસ્ટે એક પત્રકાર પરિષદ યોજીને લગાવેલા આરોપોનાં જવાબમાં પંચે રાહુલનો ખુલાસો માગ્યો છે.

રાહુલે આ પત્રકાર પરિષદમાં બેંગ્લુરુ સેન્ટ્રલની મહાદેવપુરા વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં મોટાપાયે ગોલમાલનાં આરોપો મૂક્યા હતાં. કર્ણાટકનાં મુખ્ય ચૂંટણી અધિકારીએ હવે તેનાં જવાબમાં એક પત્ર લખીને રાહુલને પૂછ્યું છે કે, તમે પત્રકાર પરિષદમાં દેખાડવામાં આવેલા દસ્તાવેજો પંચનાં રેકોર્ડનાં હોવાનો દાવો કર્યો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, શકુન રાનીએ બે વખત મતદાન કર્યું છે. તમે મતદાર ઓળખપત્ર દેખાડીને કહ્યું હતું કે, તેનાં ઉપર બે વાર નિશાન લાગેલા છે. જે ટિક માર્ક પોલિંગ બૂથ ઓફિસરના છે.

મુખ્ય ચૂંટણી અધિકારીએ આગળ કહ્યું હતું કે, તપાસ દરમિયાન શકુન રાનીએ એક જ વખત મતદાન કર્યાનું નિવેદન આપેલું. એટલે કે તમે મૂકેલા આરોપ અનુસાર બે વખત નહીં. અમારા કાર્યાલયની પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવે છે કે, તમારી પ્રસ્તુતિમાં દેખાડવામાં આવેલું ટિક માર્ક ઓળખપત્ર મતદાન અધિકારી દ્વારા જારી થયેલો દસ્તાવેજ નથી. તેથી આ તમામ દસ્તાવેજો પંચને ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી શકુન રાનીએ મતદાન બે વાર કર્યુ કે અન્ય કોઈએ તેનાં બદલે મતદાન કર્યુ તેની વિસ્તૃત તપાસ કરી શકાય.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક