• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

પાત્ર મતદારનું નામ નહીં હટે: પંચ

બિહાર મતદાર યાદી સુધારણા મુદ્દે ચૂંટણીપંચનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

નવી દિલ્હી, તા.10 : બિહારમાં મતદાર યાદી સુધારણા (એસઆઈઆર) અભિયાનના થઈ રહેલા વિરોધ વચ્ચે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને મતદારોને યાદીમાંથી બહાર કરાઈ રહ્યાના આરોપોને ફગાવતાં કહ્યું હતું કે કોઈ પણ પાત્ર મતદારનું નામ સૂચિમાંથી હટાવવામાં આવશે નહીં.

બિહારમાં એસઆઈઆર અંગેની સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે એસઆઈઆર દરમ્યાન રાજ્યની મતદાર યાદીમાંથી 65 લાખ મતદાતાનાં નામ હટાવવામાં આવ્યાં હતાં. જે અંગે કોર્ટે પંચનો જવાબ માગ્યો હતો. ચૂંટણીપંચે જવાબી સોગંદનામામાં જણાવ્યું હતું કે પહેલી ઓગસ્ટ 2025ના પ્રકાશિત મુસદ્દા મતદાર યાદીમાંથી કોઈપણ મતદારનું નામ હટાવવાની પ્રક્રિયા નિયમો હેઠળ જ કરવામાં આવશે. નામ હટાવવાના પ્રસ્તાવ અને તેનાં કારણો અંગે મતદાતાને સૌથી પહેલાં જાણ કરવામાં આવશે. દરેક મતદારને તેની રજૂઆત માટે યોગ્ય તક, દસ્તાવેજો માટે અવસર અને તર્કસંગત આદેશ આપવામાં આવશે.

પંચે કહ્યું કે એસઆઈઆરનું પહેલું ચરણ પૂરું થઈ ગયું છે. પહેલા ચરણમાં આશરે 7.24 કરોડ મતદારે દસ્તાવેજોની સાથે પોતાનાં ફોર્મ જમા કરાવ્યા હતા. આ તમામના નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ થશે. આ બધા નામોનું ડિજિટલીકરણ થઈ ચૂક્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક