નવી દિલ્હી, તા. 10 : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ તણાવથી શેર બજારને માઠી અસર પહોંચી રહી છે. ડરી ગયેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ બજારમાંથી અંદાજિત 18 હજાર કરોડ રૂપિયા ઉસેડી લીધા છે. જો કે, ટ્રમ્પના ટેરિફના ડરની સાથે જ તમામ કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો પણ વિદેશી રોકાણકારો પર નકારાત્મક અસર પેદા કરી રહ્યા છે.
એક મીડિયા હેવાલ મુજબ, જ્યારથી
અમેરિકાના પ્રમુખે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે, ત્યારથી દુનિયાભરના શેર બજારમાં તેની
જબ્બર નકારાત્મક અસર જોવા મળી રહી છે. ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લદાયા બાદથી વિદેશી
રોકાણકારોએ ભારતીય બજારમાંથી ભારે વેચાણ કરી નાણાં સુરક્ષિત કરી લીધા છે.
અત્યાર સુધીનો પૈસા ઉપાડવાનો
આંકડો 1.13 લાખ કરોડ પર પહોંચી ગયો છે. જુલાઈથી વધુ ઓગસ્ટ મહિનાના માત્ર 10 દિવસમાં
જ એફપીઆઈએ વધુ નાણાં પરત ખેંચી લીધા છે, તો બીજી તરફ ભારતીય કંપનીઓના જારી થયેલા ત્રિમાસિક
નબળા પરિણામો પણ આ વેચવાલી માટે જવાબદાર છે.
તે ઉપરાંત ભારતીય રૂપિયામાં આવેલી
નબળાઈએ પણ રોકાણકારોના ભરોસા પર અસર પાડી છે. સોમવારથી શરૂ થતા સત્રમાં પણ અમેરિકાના
ટેરિફ, મોંઘવારીના આંકડા, ત્રિમાસિક પરિણામોની પર બજારની સ્થિતિ નક્કી થશે.